Showing posts with label મધુમતી મહેતા. Show all posts
Showing posts with label મધુમતી મહેતા. Show all posts

Thursday, May 16, 2013

હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું...

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું,
 ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું,
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર, એ 
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.


જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
, પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને ,અહીં
 આવીને ઓસરી જતો નવો વિચાર છું.


કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે,
 જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે, કહો 
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.


બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને, તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.
મારામાં આથમી અને ઊગી શકે બધું
, હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું....


– મધુમતી મહેતા