Showing posts with label કુન્દનિકા કાપડીયા. Show all posts
Showing posts with label કુન્દનિકા કાપડીયા. Show all posts

Friday, September 28, 2012

દુખ...

કહેવાય છે - "દુખ જીવનમાં અનિવાર્ય છે " -  આ આપણે બધા જાણીએ છીએ. 
પરંતુ - "દુખી થવુ અનિવાર્ય નથી ... "  - આ પણ જાણીએ છીએ. છતાં જ્યારે દુખ આવી પડે ત્યારે બધી જાણકારી વરસાદમાં કાચો રંગ ધોવાય એમ ધોવાઈ જાય છે. 

આજેપણ શ્રી કુન્દનિકા કાપડીઆની "પરોઢ થતા પહેલા" માંથી  થોડાક વધુ અંશો ... સબજેક્ટ છે  "દુખ"  ....

*********************************************
- બધુ સુષ્ઠુ સુષ્ઠુ, રુ જેવુ નરમ નરમ, મધ જેવું મીઠુ મીઠુ નથી,  હોઈ શકે નહી, હોવુ જરુરી પણ નથી.
દુનિયાનું સાચુ સ્વરુપ એટલે માણસના નિમ્ન નિકૃષ્ટ રુપનો પરિચય તેમ નહી, પણ માણ્સના મનની અતાગ  સૃષ્ટી ... તેના ભયો,  ઈચ્છાઓ, વિજયો, કારુણ્યો, ભૌતિકતા અને ઉર્ધ્વ આરોહણની કામના આ બધા વિવિધ ને વિરોધી તત્વોની પરસ્પર ક્રિયામાંથી નિર્મિત થતાં, જીવનના લાખો કરોડો સ્વરુપો .....

- શું માણસને દુખ આવી પડે ત્યારે જ એનુ સાચુ સ્વરુપ પ્રગટ થાય છે? ત્યારે જ તે પોતાના યથાર્થ રુપને પામે છે? અને દુખ શુ એટલા માટે જ આવે છે કે માણસ પોતાના સાચા સ્વરુપ ને પામી શકે?

દુખ કદાચ માણસને તેના સાચા સ્વરુપની પીછાણ આપવ આવે છે. પણ દુખથી ભય પામીને માણસ તરત તેમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે.

દુખમાંથી નાસી છુટવાને બદલે, એના ઘોર એકાંતની વચ્ચે બેસી, માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સાચા સ્વરુપનો સાચો પરિચય મેળવી લે તો દુખની કામગીરી પૂરી થાય.. તો તે ફરી ફરી ધ્વારે આવી ઉભુ ન રહે  .... કદાચ ....

- વૃક્ષને પણ એની ઋતુઓ છે ... આવાગમન ના ચક્રો છે. માર્ચ મહિનાનો ફૂલ ભરેલો આનંદ અને હેમંતની સૂની એકલવાઈ ડાળીઓમાં ભારે પગલે પસાર થતી ઘડીઓ છે. એક પછી એક તેના બધા પાન ખરી પડશે ત્યારે પણ તે રાહ જોઈ શકશે, કારણ કે તેને ખબર છે થોડા સમય પછી ફરી તેના અંગોમાં નવા રંગોની મંજરી ખીલી ઉઠશે.

માણસ આવી રાહ જોઈ શકતો નથી. કારણ કે તેના ચક્રો વૃક્ષના ચક્રો જેટલા નિયમિત નથી. તે વધુ સભાન અને વધુ ગતિશીલ છે. એથી જ શું તેનુ જીવન અસ્થિર અને અનિશ્ચિત હશે ?

દુખના ભારથી જ માણસ કચડાઈ જાય છે અને પોતાના સઘળા સુંદર અંશો ગુમાવી દે તેમ પણ બને. પણ જીવન વિષે જેનામાં થોડી ગંભીરતા છે તેમને માટે દુખ હંમેશા એક વિશેષ સંકેત લઈને આવતું  હોય છે.

આ રીતે દુખ જીવનની એક બહુ મૂલ્યવાન વસ્તુ છે. સુખ આપણને ઉંઘાડી દે છે. દુખ ધક્કો મારીને જગાડે છે. માણસને માથે દુખ આવી પડે ત્યારે હજારો ઈચ્છાઓ ને પદાર્થની શોધમાં દોડતુ તેનુ મન ઘડીભર અટકી જાય છે. પોતાની તરફ પાછુ વળે છે અને પૂછે છે - આવુ કેમ થયુ? આવુ મારા જ સંબંધ માં કેમ બન્યુ? બીજીપણ ઘણી વસ્તુની જેમ દુખમાં અનેક અર્થો રહેલા છે અને આપણે દુખની પીડામાં અટકી ના જઈએ તો એ અર્થ આપણને સમ્જાવા લાગે છે.

અને દરેક માણસ માટે એનો માર્ગ જુદો હોય છે. એ દરેકે જાતે શોધી લેવાનો હોય છે.

*********************************************
 અને છેલ્લે ,

હું ગુનાશોધક છુ મારા પર બધા ભેદો ખૂલે,
કે ટકોરા મારતો ચાલુ ને દરવાજો ખૂલે

હાથ લંબાવીશ તો ટૂટી જશે ભ્રમણાની ભીંત
આ વધેલા મારા નખથી કંઈક ચહેરાઓ ખૂલે.

ક્યારનો અટવાઉ છુ અર્થોના લેબેરિન્થમાં
કોઈ તો ચાવી મળે કે કોઈ તો રસ્તો ખૂલે ... 

- હનીફ સાહિલ


   

Sunday, October 16, 2011

We are prisoners ...

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
...

We are prisoners of our own suffering and  we Love that prisons ...   આપણે આપણી પીડાઓના બંદી છીએ અને એ બંદીખાના માટે આપણને અનુરાગ હોય છે ...

" એક્વાર  કેટ્લીક ગુંચોમા ફસાયેલા એક માણસ ને મે થોડો સમય કોઈ આશ્રમમા રહેવા જવાનુ કહ્યુ .. તો તેણે કહ્યુ - ત્યા જઈને મને સિગારેટ પીવાની સ્વતંત્રતા મળે તો રહેવા જઉ !

...... તેની આ સ્વતંત્રતા તો તેની, ગુલામ બનાવનાર ઈચ્છાની આધીનતા હતી. આપણે સુખને શોધવા જતા એ શોધની ઈચ્છાના ગુલામ બની જઈએ છીએ. આપણી આસપાસ શોકના તાણા વણ્યા હોય છે એ આપણી આસક્તિ બને છે. એને આપણે નિષ્ઠાનુ નામ આપીએ છીએ. કોઈ વિધવાને કહો કે તારા મૃત પતિ માટે તુ તારા સુખ-્સમૃધ્ધિનો ત્યાગ કરી દે તો એ કરવા તે તત્પર થશે, પણ તેને કહો કે - તુ તારા શોક અને દુખનો ત્યાગ કરી દે તો એ માટે એ તૈયાર નહી થાય ...  "  .....  કારણ કે -  We are prisoners of our own suffering and  we Love that prisons ...

- From the book -  "પરોઢ થતા પહેલા .. " - by કુન્દનિકા કાપડીયા ..

અને છેલ્લે ... આવા જ સંદર્ભમાં સૈફ પાલનપૂરીની એક ગઝલ ...


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?