Showing posts with label મોહમ્મદ માંકડ. Show all posts
Showing posts with label મોહમ્મદ માંકડ. Show all posts

Monday, July 11, 2011

સુખ .....

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.
કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ....

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

"સુખ" બહુ છેતરામણો શબ્દ છે.  એટલે એની વ્યાખ્યામા નથી પડવુ ... પણ "સુખ" વિશે ખૂણે-ખાચરે થી હમણા - હમણા જે થોડુ ઘણુ વાચવામા નજરે ચડ્યુ આજે એ બધુ એક કરીને Share કરુ છુ ...

---------------------
- આ દુનિયામા જીવવા માટે શુ સતત સુખની જ જરુર છે ? કોઈ પ્રકારનુ દુખ હોવુ જ ન જોઈએ ? માણસે સર્જનાત્મક બનવા માટે થોડુ દુખી હોવુ પણ જરુરી છે. કોઈનો વિરહ થયો હોય , કોઈનુ મરણ થયુ હોય , કોઈ આઘાત લાગ્યો હોય તો તેના વિષાદને પૂરેપૂરો માણવાને બદલે આપણે સીધા ટ્રાન્ક્વીલાઈઝરની બાટલી પાસે જ પહોચી જઈએ છીએ.

અર્થાત દુખ અને પીડા પણ લાઈફમા જરુરી છે માણસની આંતરિક શક્તિ ખીલવવા માટે. કવિ બ્લેઈડની આ પંક્તિઓ સમજવા જેવી છે. 

         "Life is made of joy and woe 
         And when this we rightly know
          Safely through the world we go. "
 
- લાઈફ એ થોડાક  આનંદ અને થોડીક પીડાનુ મિશ્રણ છે.  ભલે થોડો સમય કષ્ટમા રહેવુ પડે , પણ પોતાને મેળે જ આપણે આપણી સમસ્યા સમજીએ  અને સમસ્યાથી દુર ભાગવાના રસ્તા શોધવાના બદલે સમસ્યાની સામે ઉભા  રહીએ  તો એ નબળાઈનો રસ્તો તમને મોટી તાકાત સુધી પહો્ચાડે છે ...

આજથી લગભગ ૧૨૫ વર્ષ પહેલા થોરો થઈ ગયા ... તેમણે એ સમયે જે કહેલુ એ આજે પણ એટલુ જ અર્થપૂર્ણ છે ...

"However mean your life is, meet it and live it : do not shun it and call it hard names. It is not so bad as you are. It looks poorest when you are richest. The fault finder will find faults in paradise. Love your life, poor as it is.Do not trouble yourself much to get new things, whether clothes or friends. Turn the old; return to to them. Things do not change, we change. "

- અત્યારે આપણી પાસે ન હોય તે સમૃધ્ધી માટે આપણે વલખા મારતા હોઈએ તો આપણે આપણને પ્રશ્ન પૂછવો જોઈએ કે તે સમૃધ્ધિ હાસલ થયા પછી પણ આપણને સુખ મળશે ખરુ ?

-  એકલતાની વિકરળતા હોય છે તેમ એકાન્તનુ એક સૌન્દર્ય પણ હોય છે.


- કાન્તિ ભટ્ટ 

----------------------------------------

હવે આ સાંભળો ...... મુલ્લા નસરુદ્દીનની આ એક બહુ જાણીતી વાત ...

મુલ્લાએ એક વાર એક માણસને નિરાશ થઈને રસ્તાની બાજુમાં  બેઠેલો જોયો. મુલ્લાએ એની પાસે જઈને વાતચીત શરૂ કરી. પેલા નિરાશ થઈ ગયેલા માણસે કહ્યું, “ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે. પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી.
કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું - એટલા માટે કે કદાચ મને રસ પડે, પરંતુ હજુ સુધી મને રસ પડે એવું કશું દેખાયું નથી. કશું જ બોલ્યા વિના નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલો તેનો થેલો ઉપાડી લીધો અને દોડવા માંડયું. રસ્તો જાણીતો હતો એટલે થોડી વારમાં તો મુલ્લા ક્યાંના ક્યાં નીકળી ગયા!
ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તામાં મૂક્યો અને પોતે બાજુમાં જઈને સંતાઈ ગયા.
થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. એ થાકી ગયો હતો. હાંફતો હતો, પણ દૂરથી રસ્તા ઉપર પડેલો પોતાનો થેલો જોતાં જ આનંદથી થનગની ઊઠયો.
છુપાઈ રહેલા મુલ્લાના હોઠ ઉપર સ્મિત આવી ગયું, “ હવે એને સુખ દેખાયું !


" સમય કોની પાસેથી ક્યારે અને શું ઝૂંટવી લેશે એ કોઈ જાણતું નથી. અને ઝૂંટવાઈ ગયેલી કેટલીક વસ્તુઓ પાછી આવવાની નથી. ઉંમર વીતવા સાથે આંખો ઝાંખી પડી જશે. કાનમાં બહેરાશ આવી જશે. એટલે જે જાણવા જેવું અને માણવા જેવું હોય તે પૂરી રીતે માણી લેજો. સુખ એક ધૂંધળી વસ્તુ છે. એની શોધ કરવાના બદલે તમારી પાસે જે હોય અને તમને જેમાંથી સુખ પ્રાપ્ત થઈ શકે તેમ હોય એનો વિચાર કરજો "

- મોહમ્મદ માંકડ "કેલિડોસ્કોપ" માથી ...
-----------------------
અને છેલ્લે ...

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Thursday, June 9, 2011

પત્ની એટલે પત્ની ........( કંઈક હળવુ હળવુ ...)

પત્ની એટલે પત્ની .........

લોઈડ રોઝન ફિલ્ડે લખ્યું છે કે
મારા લગ્નજીવન દરમિયાન માત્ર બીજી વાર કાર્પેટ ઉપર મારાથી સિગારેટની રાખ પડી ગઈ કે તરત જ મારી પત્નીએ કહ્યું, “કાયમ કાર્પેટ ઉપર જ રાખ નાખવાનું તમે નક્કી કર્યું છે?”

લોઈડ રોઝનફિલ્ડ કહે છે કે, એની પત્નીએ કાર્પેટ ઉપર કાયમ સિગારેટની રાખ નાંખવાનો એના ઉપર આક્ષેપ મૂક્યો એટલે એણે એને થોડી સમજ આપવાનો નિશ્ચય કર્યો. અને થોડા દિવસ પછી એક ટ્રકમાં બે ટન રાખ મંગાવીને એના મકાનના કમ્પાઉન્ડમાં ઢગલો કરાવ્યો. ટ્રક ખાલી થઈને પાછી ફરી ગયા પછી એણે એની પત્નીને બોલાવીને રાખનો ઢગલો બતાવ્યો.
“આ બધું શું છે?” પત્નીએ નવાઈથી પૂછયું.
અને રોઝનફિલ્ડને બરાબર તક મળી ગઈ. “એ રાખ છે - એક હજાર ચારસો ઓગણચાલીસ રતલ. ઘણી ગણતરી કર્યા પછી મેં નક્કી કર્યું છે કે, તું કહે છે એ પ્રમાણે રોજ હું કાર્પેટ ઉપર સિગારેટની રાખ નાખતો હોઉં તો એનો આવડો ઢગલો થાય!”

પત્ની રાખના ઢગલા સામે તાકી રહી. “ઓ ભગવાન ! સારું થયું ને કે મેં એ બધી રાખ સાફ કરીને બહાર ફેંકી દીધી!”

રોઝનફિલ્ડ મૌન!

અને રોઝનફિલ્ડની પત્ની કાંઈ એક અને અજોડ હોય એવું તો બની શકે નહીં
એ    કોઈ ખાસ વિશિષ્ટ નથી. બીજા પુરુષોને પણ એવી પત્ની હોઈ શકે છે................................................................


“તમે કાયમ બાથરૂમનો નળ ખુલ્લો મૂકી દો છો.”

“કાયમ રાત્રે મોડા આવો છો.”

“કાયમ મિત્રો સાથે ગપ્પાં મારો છો.”

આવું તો ઘણાં પુરુષોએ ઘણી વાર સાંભળ્યું હશે. 

પણ, “તમે કાયમ પહેલી તારીખે પગાર લાવો છો.” કે “અવારનવાર મારી સાથે પિક્ચર જોવા આવો છો.” એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય.

એક વાર એક ભાઈ પત્નીને લઈને એક મિત્રને ત્યાં જવા ઉપડયા. સરનામું પાક્કું હતું, પણ એ લત્તામાં કેટલાંક નવાં મકાનો બની ગયાં હતાં. દસેક મિનિટ આંટા માર્યા છતાં મિત્રનું ઘર ન મળ્યું. એટલે પત્નીએ કહ્યું, “તમે કાયમ ઘર ભૂલી જાઓ છો.”

“કાયમ?” (એ વખતે. મોબાઈલ ફોન શોધાયા નહોતા, નહીં તો ફોન કરીને મિત્રને પૂછી શકત.)

“હા. કાયમ”. પત્નીએ કહ્યું.

“છેલ્લે હું ક્યારે ભૂલી ગયેલો?”

“ગયે વર્ષે ધીરુભાઈ કટલેરીવાળાની દુકાન નહોતા ભૂલી ગયા?”

“અરે, એમણે તો દુકાન જ કાઢી નાખેલી મને એ ખબર નહોતી.”

“પણ મારે તો તમારી સાથે આ રીતે જ કલાક રખડવું પડેલું ને?”

પેલા ભાઈ પૂછી ન શક્યા કે કોને કોના માટે રખડવું પડેલું? એમણે માત્ર ઘડિયાળમાં જોયું ને ચૂપ થઈ ગયા.

“સુકેશી, આજે મારા બોસનો જન્મદિવસ છે. આજે હું વહેલો ઘરે નહીં આવી શકું.” પતિએ ફોન કર્યો.
“તમે આ રીતે કાયમ મોડા ઘરે આવો એ બરાબર ન કહેવાય.”
“કાયમ ક્યાં આવું બને છે?”
“આફ્રિકાથી તમારા પેલા મિત્ર આવેલા ત્યારે પણ તમે મોડા ઘરે આવ્યા હતા.”
“પણ એને તો ચાર વર્ષ થયાં.”
“થયાં હશે પણ મને કાયમ આ રીતે એકલા રહેવું ગમતું નથી.”
કોઈની પત્નીને એકલા રહેવું ગમતું નથી. છતાં પોતાની બહેનપણી સાથે ખરીદી કરવા જતી વખતે એ પોતાના પતિને આગ્રહ કરીને સાથે લઈ જતી નથી.
“મહેન્દ્રકુમારને ત્યાં સરસ સાડીઓ આવી છે!”
“પણ સાડી તો હમણાં જ ખરીદી છે ને?”
“હમણાં એટલે?”
“ગયા મહિને”
“તમે પણ ખરી અતિશયોક્તિ કરો છો! ગયે મહિને એટલે હમણાં કહેવાય?”
પતિને માથું ખંજવાળવું પડે છે.
અને છતાં પુરુષો પત્ની વિના જીવી શકતા નથી....    

-   from  the article of  મોહમ્મદ માંકડ,

Saturday, February 12, 2011

પીળો રુમાલ ...એક વાર્તા

પૂછ મા તારા વિના કેવા અમારા હાલ છે આંસુઓ છે આંખમાં ને હાથમાં રૂમાલ છે ...

 - શેખાદમ આબુવાલા

એક બસમાં છ વિદ્યાર્થીઓ ન્યૂયોર્કથી ફ્લોરિડા જતા હતા. ત્રણ છોકરાં હતાં. ત્રણ છોકરીઓ હતી. છએ જણાં આનંદમાં હતાં, સેન્ડવીચ ખાતાં હતાં, પીણાં પીતાં હતાં, અને ફ્લોરિડાના ખુલ્લા દરિયાકાંઠાની અને સમુદ્રસ્નાનની વાતો કરતાં હતાં. ન્યૂયોર્કનું ધૂંધળું આકાશ ધીમે ધીમે એમની પાછળ અદૃશ્ય થઈ રહ્યું હતું. બસ આગળ વધી રહી હતી.

દક્ષિણ તરફ જઈ રહેલી એ બસમાં એક ખૂણામાં વીંગો પણ બેઠો હતો. વિદ્યાર્થીઓની સામેની સીટમાં એ બેઠો હતો. એનો પોશાક સાદો હતો, કપડાં સહેજ ડખળાં પડતાં હતાં, ચહેરા પર થાક હતો, પોતાના વિચારમાં ડૂબેલો, એકલોઅટૂલો, મૌન બેઠો હતો.

વોશિંગ્ટનથી દૂર ગયા પછી રાત્રે રસ્તાની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં પાસે બસ ઊભી રહી. બધા માણસો ઊતર્યા. વીંગો નીચે ન ઊતર્યો. વિદ્યાર્થીઓ અંદરોઅંદર વીંગો વિશે વાત કરવા લાગ્યા. કોણ હશે એ માણસ? નૌકાખાતાનો કોઈ કેપ્ટન હશે? પત્નીને છોડીને ભાગી જતો હત્ભાગી પતિ હશે? કોઈ સૈનિક હશે અને રજા પર ઘરે જતો હશે? કોણ હશે?

વિદ્યાર્થીઓ ફરી બસમાં ગોઠવાવા લાગ્યાં. એક છોકરી આવીને વીંગો પાસે બેઠી. છોકરીએ પોતાની ઓળખાણ વીંગોને આપી અને વાત શરૃ કરી. ‘‘અમે બધાં ફ્લોરિડા જઈએ છીએ, કહે છે કે એ પ્રદેશ ખૂબ જ સુંદર છે!’’

“હા, બહુ જ સુંદર છે.” વીંગો બોલ્યો. એની આંખોમાં જાણે અનેક જૂની સ્મૃતિઓ ઉભરાઈ આવી.

“પીણું લેશો?”

“ના” એણે નમ્રતાપૂર્વક ના પાડી.

આગળ શું વાત કરવી એ છોકરીને સૂઝ્યું નહીં. અને વીંગો ફરી પોતાના મૌનના કોશેટામાં લપાઈ ગયો. છોકરી ત્યાંથી ઊભી થઈ અને પોતાના મિત્રો પાસે ગઈ. વીંગો સૂઈ ગયો.

બીજે દિવસે સવારે ફરી એક રેસ્ટોરાં પાસે બસ ઊભી રહી. પેલી છોકરીએ વીંગોને આ વખતે પોતાની સાથે આવવા આગ્રહ કર્યો. કશું બોલ્યા વિના માત્ર માથું હલાવીને એના આગ્રહનો એણે સ્વીકાર કર્યો. રેસ્ટોરાંમાં એણે કોફી પીધી અને સિગારેટ સળગાવી. વિદ્યાર્થીઓએ જોયું કે સિગારેટ એના હાથમાં ધ્રૂજતી હતી.
પાછા ફરીને જ્યારે એ લોકો બસમાં બેઠાં ત્યારે પેલી છોકરી ફરીથી વીંગોની બાજુમાં બેઠી અને ધીમેથી વાતો કરવા લાગી. વીંગોએ આખરે એનું દિલ ખોલ્યું અને વાત કરવાનું શરૃ કર્યું. છેલ્લાં ચાર વરસથી એ ન્યૂયોર્કની જેલમાં કેદી હતો. અને અત્યારે પેરોલ પર ઘરે જઈ રહ્યો હતો.

“પરણેલા છો?” છોકરીએ પૂછયું.

“મને ખબર નથી.”

“એટલે?” છોકરીને આશ્ચર્ય થયું.

“એવું છે ને, હું જ્યારે જેલમાં ગયો ત્યારે મેં મારી પત્નીને લખ્યું હતું કે હું લાંબો સમય જેલમાં રહેવાનો છું. એટલો સમય એકલા રહેવાનું બહુ કપરું થઈ પડશે. બાળકો કદાચ મારા વિશે અટપટા પ્રશ્નો પૂછે, પાડોશીઓ ટીકા કરે, એ બધું દુઃખ જીરવવું સહેલું નથી હોતું. જો એ બધું અસહ્ય બની જાય તો...” એ અટકી ગયો. એના ગળે ડૂમો ભરાઈ આવ્યો. “તો મને ભૂલી જજે. અને બીજા કોઈ સાથે તારું જીવન...” એ ફરી અટકી ગયો અને ઊંડો શ્વાસ લઈને બોલ્યો, “... અને એ બાબત મને કશું જ લખવાની જરૃર નથી. બસ, મને ભૂલી જજે. લખવાની કોઈ જરૃર નથી. અને પછી સાડા ત્રણ વરસ વીતી ગયાં છે, એના તરફથી કોઈ પત્ર નથી.”

“એટલે તમે...” છોકરી ધીમેથી બોલી, “ઘરે તો જાઓ છો, પણ તમને કશી જ ખબર નથી, કશી જ ખાતરી નથી.”

“હા. એમ જ છે.” એણે સંકોચથી કહ્યું, “પણ મેં ગયા અઠવાડિયે ફરી એને એક પત્ર લખ્યો છે. અમે બ્રુન્સવીકમાં રહીએ છીએ. બ્રુન્સવીકમાં દાખલ થતાં જ એક મોટું ઓકનું ઝાડ નજરે પડે છે. પેરોલ ઉપર છૂટવાની વાત નક્કી થઈ ત્યારે મારી પત્નીને મેં લખ્યું કે, જો એ મને આવકારવા તૈયાર હોય તો પેલા મોટા ઓકના ઝાડ ઉપર પીળો રૃમાલ બાંધે જેથી મને ખબર પડે, નહીં તો બધું ભૂલી જાય. જો ઓકના ઝાડ ઉપર રૃમાલ હશે તો હું બસમાંથી ઊતરી જઈશ, નહીં તો આગળ ચાલ્યો જઈશ. બસ એટલું જ, બીજું કશું જ નહીં.”

પછી વીંગોએ એ છોકરીને એની પત્નીનો અને બાળકોનો ફોટો બતાવ્યો. છોકરીએ પોતાનાં બીજાં મિત્રોને એ વાત કરી. અને છએ જણાં બ્રુન્સવીક આવે એની રાહ જોવા લાગ્યાં. બ્રુન્સવીક બત્રીસ કિલોમીટર દૂર હતું.
બસ ચાલતી હતી અને અંતર ઘટતું જતું હતું. ત્રણ છોકરાં અને ત્રણ છોકરીઓ વીંગો જેટલી જ આતુરતાથી બ્રુન્સવીકની અને પેલા મોટા ઓકના વૃક્ષની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. એ લોકો બસની બારીઓ પાસે જઈને બેઠાં હતાં. વીંગો હવે બોલતો નહોતો. એનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. એનું ભાવિ કેવું હશે એની એને ખબર નહોતી.

બ્રુન્સવીક સોળ કિલોમીટર દૂર રહ્યું પછી આઠ, પછી ચાર. વિદ્યાર્થીઓ એમની સીટમાં ઊભાં થઈ ગયાં. બ્રુન્સવીક નજરે પડયું. ઓકનું વૃક્ષ નજરે પડયું. બધાં ચિચિયારીઓ કરીને કૂદવા લાગ્યાં અને નાચવા લાગ્યાં.

વીંગો ઓકના ઝાડ સામે જોઈને જાણે પૂતળું બની ગયો હતો. એના ઉપર પીળા રૃમાલ ફરકતા હતા. એક નહીં, બે નહીં, પૂરા  સો-બસો... આખુંયે ઝાડ આવકારના પીળા રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ નાચતા હતાં અને વીંગોની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. એ ધીમેથી ઊભો થયો, અને પોતાના ઘરે જવા માટે એણે પગ ઉપાડયા.

- From the Article of Mohammad Mankad 

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
... 


- આસિમ રાંદેરી