Saturday, March 30, 2013

છે ભૂલા પડવાનો એક જ ફાયદો...


પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!
ટુકડા રૂપે મળે છે, જે બધું,એ બધું ક્યાં સોયથી સંધાય છે!
રક્ષવાનું હોય છે હોવાપણું,અહીં બધુંયે એકનું બે થાય છે!
કાચની સામે રહી જો એકલો,નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,કેટલા રસ્તા પરિચિત થાય છે!
– અમિત વ્યાસ

Friday, March 29, 2013

અઘરું લાગશે.

સ્વપ્ન પણ ક્યારેક કડવું લાગશે,
એ હકીકતથી જો મળતું લાગશે.


આપ કહીને આપ જો બોલાવશો,
સાથ હોવાનુંય અળગું લાગશે.


પ્રેમ તો એવી બલા છે, દોસ્તો,
ડૂબવાની વાત તરવું લાગશે.


ટોચ પર પહોંચી જવાનો ફાયદો,
એક ચપટીમાં ઉતરવું લાગશે.


જિંદગીના ખેલને જોયા કરો,
અંતમાં સઘળુંય સરખું લાગશે.


આ ગઝલ લખવાનું કારણ એટલું,
શબ્દથી એને સ્પરશવું લાગશે.


લાગણીની વાત ‘ચાતક’ ના કરો,
જીવવાનું ખુબ અઘરું લાગશે.


-  દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(http://www.mitixa.com)

Thursday, March 28, 2013

તને હુ રંગી નાખું મારા રંગે ...

બોલો, આપ કદી આવા રંગોએ રંગાયા છો?  આ તો જેવી સંગત એવી રંગત ...... એક્વાર દિલ પર રંગ ચઢી જાય તો બધુ રંગીન જ લાગે ...... જેમ અહીં કવિને લાગે છે તેમ !

આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે


કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી


ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!


- હિતેન આનંદપરા

"આભાર" એ મિત્રનો જેણે આ કવિતા મને share કરી ...

Sunday, March 24, 2013

ન થયા ...

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

- રમેશ પારેખ

Wednesday, March 20, 2013

જીંદગી ....

બસ કદી એમ જ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી

દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી

એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી

હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી

શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી

- હિમાંશુ ભટ્ટ 
"Thank you tahuko.com"

Thursday, March 14, 2013

દોસ્ત, હવે ચલ વાત બદલીએ...

દોસ્ત,  હવે ચલ વાત બદલીએ,
હાથ બદલીએ, સાથ બદલીએ.
આખેઆખી રાત બદલીએ,
કોઈ હવે શું બદલવાનું ?
આપણે થોડી જાત બદલીએ.

આંખોને સમજાવીએ થોડું,
ઈચ્છાનો અહેસાસ બદલીએ.
માણસ.... માણસ... કરવા કરતાં,
જીવવા માટે મરવા કરતાં
માણસ નામે નાત બદલીએ.

કોઈ અધૂરા-પૂરા સપનાં,
કોઈ ખારાં, કોઈ તૂરાં સપનાં.
શું અચ્છાં, ને બૂરાં સપનાં,
ખાલીપાનો સથવારો લઈ,
સપનાંની મિરાત બદલીએ....

- કાજલ ઓઝા વૈધ
"મન માઈનસથી... પ્લસ" માંથી ...

Monday, March 11, 2013

થઈ મરણને લીધે જાણ કે હયાતી છે....

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.

બીજાને તૂટતા જોવા કરે છે આવું એ ?
આ આયનાનું વલણ કેમ આત્મઘાતી છે ?

ને આભ જેવા નિસાસાઓ ઢાંકવા માટે,
આ નાના-નાના પ્રપંચોની ખૂબ ખ્યાતિ છે.

સૂરજનું ખૂન થયું હોય એવો સંભવ છે,
આ ઢળતી સાંજે ક્ષિતિજ આખી કેમ રાતી છે ?

ભરાઈ ગઈ’તી એની પીઠ આખી જખ્મોથી,
બધાને લાગ્યું બહુ મજબૂત એની છાતી છે.

જો સ્થિરતા જ અનિવાર્ય હોય, હે મિત્રો,
ઢળી જવાની જરૂરિયાત પણ તો તાતી છે.

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

- મુકુલ ચોકસી

Sunday, March 3, 2013

કથા ...

શબ્દ મારી કથા કહી શકે એમ નથી
અને અશબ્દમાં મારી કથા વહી શકે એમ નથી
પાનખરના વૃક્ષ પરના એકાદ-બે પાનની જેમ
માત્ર હસ્યા કરે હોઠ.
બરડ ડાળ પર કોઈ પંખી આવીને બેસે
એવું નથી ભોટ.
અંધારું ખસે એવું નથી
અને અજવાળું અહીં કદી નહીં પ્રવેશે.
કાળો કામળો ઓઢીને બેઠેલા મૌનને
ઢંઢોળવાનો પ્રયત્ન ન કરો.
એક નહી ગવાયેલુ ગીત
ક્યારનુંયે નહીં ખોદાયેલી કબરમાં
પોઢી ગયું છે.

- સુરેશ દલાલ