Wednesday, May 9, 2012

Full of Life હોવું એટલે શું? ...


દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે? મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે?
કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે! તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?
 - વ્રજ માતરી
જિંદગી ક્યારેક સાવ સહેલી લાગે છે અને ક્યારેક ખૂબ જ અઘરી. જિંદગી ક્યારેક સપનું લાગે છે અને ક્યારેક હકીક્ત. જિંદગી ક્યારેક કોયડો છે અને ક્યારેક ઉકેલ. જિંદગી ક્યારેક ગીત લાગે છે અને ક્યારેક ગઝલ. જિંદગીની મજા જ એ છે કે એ એકસરખી નથી. જો જિંદગી કાયમ એકસરખી જ હોત તો જીવવાની કોઈ મજા જ ન હોત. જિંદગીની વ્યાખ્યાઓ સમય અને ઉંમર સાથે બદલાતી રહે છે. માન્યતાઓ બદલાય છે, ધારણાઓ બદલાય છે, શક્યતાઓ બદલાય છે, આશાઓ બદલાય છે, અપેક્ષાઓ બદલાય છે, કારણ કે સતત બદલાવ એ જિંદગીની ખાસિયત છે.

એક વ્યક્તિ સંત પાસે ગઈ. તેણે કહ્યું કે  " બધું જ ધીમે ધીમે વિસર્જન પામે છે."

સંતે કહ્યું કે ના એવું નથી. તમે શું જુઓ છો તેના પર સર્જન કે વિસર્જનનો આધાર છે. મને તો એવું લાગે છે કે બધું જ સર્જન થતું રહે છે. તમે વિસર્જનને શા માટે જુઓ છો? સર્જનને જુઓ ને! ઉંમર એ મોતની નહીં પણ જિંદગીની નજીક લઈ જવી જોઈએ. ઉંમરની સાથે સમજણ વધે છે એવું મનાય છે, એવી જ રીતે ઉંમરની સાથે જિંદગી ખીલવી જોઈએ. સૂરજ રોજ ઊગે છે, ફૂલ રોજ ખીલે છે, ભૂખ રોજ લાગે છે અને શ્વાસ સતત ચાલે છે. જિંદગીમાં સતત નવીનતા જ હોય છે. આપણે માત્ર જૂનું પકડી રાખીએ છીએ એટલે જ આપણને બધું જૂનું, નક્કામું, ઉદાસ અને કંટાળાજનક લાગે છે.

‘ફુલ ઓફ લાઈફ’ હોવું એટલે શું? બધાને જિંદગી ભરપૂર જોઈએ છે, બધું જ છલોછલ હોય એવું ગમે છે. પણ બધું એકસરખું રહેતું નથી. ઘટતું અને વધતું રહે છે. માણસ ઓલવેઝ બે એકસ્ટ્રીમ વચ્ચે જીવે છે. એક તરફ સુખ છે અને બીજી તરફ દુઃખ છે. એક તરફ ઉત્સાહ છે અને બીજી તરફ ઉદાસી છે. એક તરફ પ્રશ્ન છે અને બીજી તરફ જવાબ છે. આ બધાની વચ્ચે એકધારું અને એકસરખું જીવવું એટલે જ ફુલ ઓફ લાઈફ હોવું.


જિંદગી એટલે સુખને સાર્થક કરવું અને દુઃખને જીરવવું. જિંદગીમાં દુઃખ, સમસ્યા, મૂંઝવણ, ઉપાધિ, ચિંતા અને અડચણો તો આવવાની જ છે. આ બધું પણ જિંદગીનો જ એક ભાગ છે. તમે તેનાથી ભાગી ન શકો. ભાગવા જશો તો વધુ દુઃખી થશો. જિંદગી એટલે દરેક ક્ષણની પૂર્ણ અનુભૂતિ. સુખની પણ અને દુઃખની પણ. ફૂલની પણ અને કાંટાની પણ. હાસ્યની પણ અને આંસુની પણ. આહની પણ અને વાહની પણ. અપની પણ અને ડાઉનની પણ. જે દુઃખને સહન કરી શકે છે એ જ સુખને મહેસૂસ કરી શકે છે. પ્રશ્નની મજા જવાબમાં છે. તમે પ્રશ્નથી થાકી જશો તો જવાબ મળશે જ નહીં.

એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, હમણાં ખરાબ સમય ચાલે છે. હમણાં હું દુઃખી છું. પેલા મિત્રએ કહ્યું કે આ સમય ન હતો અને આ દુઃખ ન હતું ત્યારે તો તેં ક્યારેય મને એવું કહ્યું નથી કે હમણાં સમય સારો ચાલે છે. હમણાં હું સુખી છું. આપણે દુઃખની જ કેમ નોંધ લઈએ છીએ? હવે આ દુઃખ જાય ત્યારે તુ કહેજે કે હવે હું સુખી છું.ઘરની બારીમાંથી પડતી સવાર આપણને નવી લાગતી નથી એટલે આપણે હિલ સ્ટેશન પર જઈને સવાર માણવાની ઇચ્છા રાખીએ છીએ અને ત્યાં જઈ નથી શકતા એટલે દુઃખી થઈએ છીએ.

દુઃખને છોડી દો અને જ્યાં સુધી છે ત્યાં સુધી એની પણ સાથે રહો. ‘ફુલ ઓફ લાઈફ’ એટલે જિંદગીની તમામ ક્ષણોને મહેસૂસ કરવી, દરેક ક્ષણની અનુભૂતિ કરવી અને દરેક ક્ષણને માણવી. સુખ તો નજીક જ હોય છે, ઘણી વખત તો આપણે તેનાથી ભાગતા હોઈએ છીએ. દુઃખને એટલી બધી ગંભીરતાથી લઈએ છીએ કે આપણે આપણને સુખી માનવા તૈયાર જ નથી હોતા, બાકી સુખ ગેરહાજર હોતું જ નથી, માત્ર આપણે હાજર નથી હોતા!


છેલ્લો સીનઃ
માણસના જીવનનો મોટો ભાગ એ જ વિચારમાં ને વિચારમાં વીતી જાય છે કે હું જીવનને નાશ પામતા કેવી રીતે બચાવીશ? તેના પરિણામે જ જીવન નષ્ટ થઈ જાય છે અને આપણા જીવતા રહેવાના પ્લાનિંગમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. જીવતાં હોતા જ નથી.
- ઈમર્સન
- કૃષ્ણકાંત ઉનડકટ .... "ચિંતનની પળે" આર્ટિકલમાંથી .....


અને છેલ્લે મારા તરફથી શ્રી રાજેન્દ્ર શાહની આ પંક્તિઓ ....

આપણી કને હોય તે બધું હોડમાં મૂકી દઇ, 
હાર કે જીત વધાવીએ આપણે એકબીજાનાં થઇ.........

Sunday, May 6, 2012

તારો વિચાર...

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દ્રશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,
મોસમનો રંગ કેટ્લો મીઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં
મારા સમયના મોરનો ટહૂકો તૂટી ગયો.

આકાશ આમ તો વિખેરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય કૈં એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊભી ગયો!...

- શ્યામ સાધુ

Friday, May 4, 2012

કેટલું ક્યાં લગી રડે મિસ્કીન

કેટલું ક્યાં લગી રડે મિસ્કીન,
શાંત અપોપું મન પડે મિસ્કીન.

પ્રશ્ન એક જ છે કોણ? કોનાથી,
કેટલું કઈ હદે ચડે મિસ્કીન.

ખૂબ ડરવું ને ચાલવું ચેતી,
બોલતાં જેને આવડે મિસ્કીન.

સાવ તરસ્યો છતાં છલકી જઉં,
કોઈ આવીને જ્યાં અડે મિસ્કીન.

કોણ ઈચ્છે છે? આ બનાવા શું?
બાળપણથી સતત ઘડે મિસ્કીન.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Tuesday, April 24, 2012

કોઇના હોવા વિશેની ધારણામાં...

કોઇના હોવા વિશેની ધારણામાં
આંખ અટવાઇ ગઇ છે બારણામાં !
આંખ મારી શોધી લે છે ક્યાંયથી પણ
પ્રેમ છે મારા તરફનો હર કણામાં !
દોસ્ત નખશિખ લઇ નજાકત નભ વરસશે
હોય હોવું મોરનું જો આપણામાં.
લ્હેરખી આવી પવનની સ્હેજ ત્યાં તો
એક તણખાનું રૂપાન્તર તાપણામાં !
કવિ, કલમ, કરતાલ, કાગળ, કાવ્ય કરમાં
અન્ય તો શું હોય આ ખાલીપણામાં !
- હરદ્વાર ગોસ્વામી

Saturday, April 21, 2012

પ્રિય પ્રભુ,...

પ્રિય પ્રભુ,

તારી ઉપરની શ્રધ્ધા ડગમગી જાય છે ક્યારેક,
ભરોસો નાસ્તિક્તાની મજાક ઉડાવે છે.

તારી રોજ પૂજા કરવાવાળા માણસો
તારી ઉપરથી વિશ્વાસ ગુમાવી દે એ તને પોસાય છે ? 
એમને દુખી જોઈને તુ પોરસાય છે ?

મારાથી પણ વધારે અહમ તારો હોય છે
ક્યારેક તારુ વર્તન અસહ્ય હોય છે.

આવી પરિસ્થિતિમાં તુ યાદ તો આવે જ છે
પણ, તારી સાથે વાત કરવાનુ મન નથી થતુ.

સ્પીડબ્રેકરની વચમાં ક્યાંક ક્યાંક રસ્તો હોય 
એટલી અડચણો અથડાતી રહે છે ...
શ્વાસ રુંધાઈ જાય એટલી હદ સુધીની ગૂંગળામણ હોય છે..

આને જ તારુ વ્હાલ કહેવાતુ હોય તો
મારાથી તુ સહન નથી થઈ શકતો ....

લિ,... 
પ્રેમથી ઝગડતો....
 
- અંકિત ત્રિવેદી

Sunday, April 15, 2012

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે

સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?

મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?

ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ? ........

- હરીન્દ્ર દવે

Thursday, April 12, 2012

માણસના થતા જાય છે કંઈ કેટલા હિસ્સા.


મારી ને તમારી અને હર કોઈની ઈચ્છા
માણસના થતા જાય છે કંઈ કેટલા હિસ્સા.


હું આંખ હજી મીંચુ ત્યાં સ્મરણોનું ભરતકામ
અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા.


બે મોજાંની વચ્ચેનો સમયગાળો એ જીવન
બાળકની રમત જેવાં છે આ શબ્દના કિલ્લા.


અહીં નિત્ય નવો સૂર્ય, નવી ઘોડી નવો દાવ,
લઈ જાવ હવે દાટી દો, ઈતિહાસના કિસ્સા.


આજે મેં 'સહજ' એમને ઝાંપેથી વળાવ્યાં,
હું મુક્ત વિચારોથી, ને એ મારાથી છુટ્ટા....

- વિવેક કાણે 'સહજ'

Tuesday, April 10, 2012

ચૈત્રના તાપ ...

ચૈત્ર મહિનો ચાલે છે ... અને હવે તાપ પણ ધીમે ધીમે આકરો થવા લાગ્યો છે.
કુદરતની નાનામાં નાની હિલચાલને પણ ઓબ્ઝર્વ કરી તેને કવિતામાં કંડારી લેતા કવિઓ ચૈત્રના તાપ પર કવિતા ના લખે એવુ બની શકે ભલા!

કાગડાએ કૂંજામાં કાંકરા નાખ્યા પછી પાણી ડૂબ્યુંને તર્યા કાંકરા
એવા ચૈત્રના તાપ ઘણા આકરા,

નકરા ધૂમાડાના ઉડતા પોપટ્ને પિંજરમાં પૂરી દઈ તાકતા
કેટલાય વરસોથી લાકડાના સીતાફળ
ખડમાં રાખ્યા તે નથી પાકતાં.

ચાડિયાની આંખ સાવ ઊંઘી ગઈને
હવે કુંભકર્ણ કરતો ઉજાગરા!
એવા ચૈત્રના તાપ ઘણા આકરા.

વાચાનો ચોકડિયાળો ગણવેશ પહેરી વાયરાની જેલના કેદી
પોતાના ભાગમાં આવેલી તૈડમાંથી નેરખતા આભની સફેદી
પથ્થરની અહલ્યાને છૂટી કરવાના હવે
ટાંકણાને રહ્યા નથી મ્હાવરા
એવા ચૈત્રના તાપ ઘણા આકરા ....

- અનિલ જોષી

Thursday, April 5, 2012

વરસે છે મારી આંખથી ...

વરસે છે મારી આંખથી શ્રાવણ હજી સુધી
ગૂંથું છું આસુંઓનાં હું તોરણ હજી સુધી.

દિલનાં ઝખમનો કેટલો ઉપચાર હું કરું?
એ ઘાવ નથી રૂઝાતો  જરા પણ હજી સુધી.

દિલની વ્યથાનો ભેદ કહી દઉં કે ચૂપ રહું,
ડંખે છે આ સવાલ ને મુંઝવણ હજી સુધી.

-ખલીલ ધનતેજવી

Thursday, March 29, 2012

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.

પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે સલામતી ?
કે ૫છી પ્રેમ એટલે સમાધાન ?
હૂંફની હાજરી એટલે પ્રેમ ?  કે ભયનો અભાવ એટલે પ્રેમ ?
પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી ?

પ્રેમ એટલે શું ?
કશુંક મેળવી લેવું ?  કે ૫છી કશુંક આપી દેવું ?
એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ?
કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ?
પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ?  કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ?

પ્રેમની જે ક્ષણ વર્તમાનમાં જિવાય છે
તે જ એનું એકમાત્ર અને સંપૂર્ણ સત્ય.
એ સિવાયની ક્ષણોમાં
પ્રેમ વિશે પાછળથી પ્રગટેલા વિચારો હોય અથવા
ભવિષ્યમાં સર્જાનારા સંજોગોની કલ્પનાઓ હોય.
આ બંનેમાં બદલાયેલા સંજોગો, બદલાયેલા વિચારો અને
બદલાયેલી આસપાસની વ્યકિતઓ જેવું,
પ્રેમ સિવાયનું, બીજું ઘણું બધું ઉમેરાતું હોય.
પ્રેમ વર્તમાનની ક્ષણ જેટલો અણિશુદ્ધ કયારેય રહી શકતો નથી.
વર્તમાનમાં ન હોય એવો પ્રેમ અનેક અસરોથી ધેરાયેલો રહે છે.

પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ?
કે ૫છી પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ?
સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ?
કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ?
પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ?
કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ?

પ્રેમ એટલે શું?
પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી
સાચવી લીધેલી જીવનની ક્ષણો,
પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોની
બાકી રહી ગયેલી ઈંટો અને
પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.
   
-સૌરભ શાહ