Thursday, June 9, 2011

પત્ની એટલે પત્ની ........( કંઈક હળવુ હળવુ ...)

પત્ની એટલે પત્ની .........

લોઈડ રોઝન ફિલ્ડે લખ્યું છે કે
મારા લગ્નજીવન દરમિયાન માત્ર બીજી વાર કાર્પેટ ઉપર મારાથી સિગારેટની રાખ પડી ગઈ કે તરત જ મારી પત્નીએ કહ્યું, “કાયમ કાર્પેટ ઉપર જ રાખ નાખવાનું તમે નક્કી કર્યું છે?”

લોઈડ રોઝનફિલ્ડ કહે છે કે, એની પત્નીએ કાર્પેટ ઉપર કાયમ સિગારેટની રાખ નાંખવાનો એના ઉપર આક્ષેપ મૂક્યો એટલે એણે એને થોડી સમજ આપવાનો નિશ્ચય કર્યો. અને થોડા દિવસ પછી એક ટ્રકમાં બે ટન રાખ મંગાવીને એના મકાનના કમ્પાઉન્ડમાં ઢગલો કરાવ્યો. ટ્રક ખાલી થઈને પાછી ફરી ગયા પછી એણે એની પત્નીને બોલાવીને રાખનો ઢગલો બતાવ્યો.
“આ બધું શું છે?” પત્નીએ નવાઈથી પૂછયું.
અને રોઝનફિલ્ડને બરાબર તક મળી ગઈ. “એ રાખ છે - એક હજાર ચારસો ઓગણચાલીસ રતલ. ઘણી ગણતરી કર્યા પછી મેં નક્કી કર્યું છે કે, તું કહે છે એ પ્રમાણે રોજ હું કાર્પેટ ઉપર સિગારેટની રાખ નાખતો હોઉં તો એનો આવડો ઢગલો થાય!”

પત્ની રાખના ઢગલા સામે તાકી રહી. “ઓ ભગવાન ! સારું થયું ને કે મેં એ બધી રાખ સાફ કરીને બહાર ફેંકી દીધી!”

રોઝનફિલ્ડ મૌન!

અને રોઝનફિલ્ડની પત્ની કાંઈ એક અને અજોડ હોય એવું તો બની શકે નહીં
એ    કોઈ ખાસ વિશિષ્ટ નથી. બીજા પુરુષોને પણ એવી પત્ની હોઈ શકે છે................................................................


“તમે કાયમ બાથરૂમનો નળ ખુલ્લો મૂકી દો છો.”

“કાયમ રાત્રે મોડા આવો છો.”

“કાયમ મિત્રો સાથે ગપ્પાં મારો છો.”

આવું તો ઘણાં પુરુષોએ ઘણી વાર સાંભળ્યું હશે. 

પણ, “તમે કાયમ પહેલી તારીખે પગાર લાવો છો.” કે “અવારનવાર મારી સાથે પિક્ચર જોવા આવો છો.” એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય.

એક વાર એક ભાઈ પત્નીને લઈને એક મિત્રને ત્યાં જવા ઉપડયા. સરનામું પાક્કું હતું, પણ એ લત્તામાં કેટલાંક નવાં મકાનો બની ગયાં હતાં. દસેક મિનિટ આંટા માર્યા છતાં મિત્રનું ઘર ન મળ્યું. એટલે પત્નીએ કહ્યું, “તમે કાયમ ઘર ભૂલી જાઓ છો.”

“કાયમ?” (એ વખતે. મોબાઈલ ફોન શોધાયા નહોતા, નહીં તો ફોન કરીને મિત્રને પૂછી શકત.)

“હા. કાયમ”. પત્નીએ કહ્યું.

“છેલ્લે હું ક્યારે ભૂલી ગયેલો?”

“ગયે વર્ષે ધીરુભાઈ કટલેરીવાળાની દુકાન નહોતા ભૂલી ગયા?”

“અરે, એમણે તો દુકાન જ કાઢી નાખેલી મને એ ખબર નહોતી.”

“પણ મારે તો તમારી સાથે આ રીતે જ કલાક રખડવું પડેલું ને?”

પેલા ભાઈ પૂછી ન શક્યા કે કોને કોના માટે રખડવું પડેલું? એમણે માત્ર ઘડિયાળમાં જોયું ને ચૂપ થઈ ગયા.

“સુકેશી, આજે મારા બોસનો જન્મદિવસ છે. આજે હું વહેલો ઘરે નહીં આવી શકું.” પતિએ ફોન કર્યો.
“તમે આ રીતે કાયમ મોડા ઘરે આવો એ બરાબર ન કહેવાય.”
“કાયમ ક્યાં આવું બને છે?”
“આફ્રિકાથી તમારા પેલા મિત્ર આવેલા ત્યારે પણ તમે મોડા ઘરે આવ્યા હતા.”
“પણ એને તો ચાર વર્ષ થયાં.”
“થયાં હશે પણ મને કાયમ આ રીતે એકલા રહેવું ગમતું નથી.”
કોઈની પત્નીને એકલા રહેવું ગમતું નથી. છતાં પોતાની બહેનપણી સાથે ખરીદી કરવા જતી વખતે એ પોતાના પતિને આગ્રહ કરીને સાથે લઈ જતી નથી.
“મહેન્દ્રકુમારને ત્યાં સરસ સાડીઓ આવી છે!”
“પણ સાડી તો હમણાં જ ખરીદી છે ને?”
“હમણાં એટલે?”
“ગયા મહિને”
“તમે પણ ખરી અતિશયોક્તિ કરો છો! ગયે મહિને એટલે હમણાં કહેવાય?”
પતિને માથું ખંજવાળવું પડે છે.
અને છતાં પુરુષો પત્ની વિના જીવી શકતા નથી....    

-   from  the article of  મોહમ્મદ માંકડ,

No comments:

Post a Comment