Tuesday, June 28, 2011

કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. ....

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને....
 
કેટ્લુ રોમેન્ટિક લાગે છે નહિ ! આખુ બાળપણ ને લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓ પોતાની આંખમાં એક પ્રેમાળ અને મનભાવન જીવનસાથીના સપના જોતી આવે છે. અને એક દિવસ લગ્ન પણ થઈ જાય છે. પણ એના સપના પૂરા નથી થતા. ઘર, વર, કદાચ મોભો બધુ મળે છે પણ તો યે જે સપનામા હતો એના ૧૦% જેટલો પણ જીવનસાથી વસ્તવિકતામા નથી મળતો.. ઉલ્ટાનુ ઘણાને તો સાવ જ ઉલ્ટુ પાત્ર મળે છે. પછી કોઈ પત્નિ , કોઈ માતા પંખો શોધે છે, તો કોઈ કેનાલ તો કોઈ ઝેરી દવા અને .... એવી વસ્તુ જે એને દુખભરી અસહ્ય જીંદગીમાથી કાયમ માટે છુટકારો આપી દે .... આ કઈ ઉકેલ નથી એ તો સહુ જાણે છે .... પણ આનો ઉકેલ શોધવો અઘરો છે એ પણ આપણે બધા જ જાણીએ છીએ. ............................ સ્ત્રીઓની આત્મહત્યાની સંખ્યામા થઈ રહેલા વધારા પર શ્રી રાજ ગોસ્વામીનો એક ચિંતનાત્મક લેખ રવિવારના સંદેશમાથી ..........

પારિવારિક મૂલ્યોઃ ભણતરના વળતરમાં મળેલો વર-જાનવર

સમાચાર : મુંબઈના ઉપનગર વડાલામાં ૨૪ બિલ્ડિંગો ધરાવતા ૯૦ એકરના હાઉસિંગ કોમ્પ્લેક્સ, સોસાયટીના હોદ્દેદારોએ બિલ્ડિંગના રહેવાસીઓના ટેરેસ પર જવા પ્રતિબંધ ફરમાવ્યો છે. મુંબઈમાં બનેલી આત્મહત્યાની બે ઘટનાઓમાં સંતાનો સાથે માતાએ ટેરેસ પરથી ઝંપલાવ્યું હતું. તેના પગલે કોમ્પ્લેક્સમાં આવું કંઈ ન બને તે માટે હોદ્દેદારોએ ટેરેસ પર જવાનો રસ્તો બંધ કરી દીધો છે.

કોઈને મરવું જ હોય તો ટેરેસ અનિવાર્ય નથી. ઘરની બાલ્કનીમાંથી ય આ (દુ)સાહસ કરી શકાય, પણ આપણે મેથડની વાત બાજુએ મૂકીએ અને આ મેડનેસની વાત કરીએ. આ મુંબઈની જ વાત નથી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ય (અને દેશનાં અનેક શહેરોમાં ય) સંતાનો સાથે માતાની આત્મહત્યાના સમાચારો એટલા સામાન્ય થઈ ગયા છે કે એને ‘સમાચાર’ કહેવા કે કેસ એ ય મૂંઝવણ થઈ જાય. ૨૦૦૯ના એક અભ્યાસ મુજબ ભારતમાં કુલ આત્મહત્યાઓમાંથી ૨૦ પ્રતિશત ગૃહિણીઓ હતી. આ સંખ્યા ૨૦૧૧માં બદલાઈ ગઈ હોવાનાં કોઈ કારણ નથી. આપણે ખેડૂતોની આત્મહત્યાઓ બાબતે બૂમાબૂમ કરીએ છીએ, પરંતુ હકીકત એ છે કે ભારતમાં પ્રતિવર્ષ ખેડૂતો કરતાં ય વધુ ગૃહિણીઓ આત્મહત્યા કરે છે.

ગૃહિણીઓની આત્મહત્યા અને સમાજની ચુપ્પીનું કારણ એક જ શબ્દ છે :  પારિવારિક મૂલ્યો અથવા ઇજ્જત અથવા આબરૂ. આપણે ત્યાં બધું જ બદલાય છે. સામાજિક મૂલ્યો બદલાય છે, રાજકીય મૂલ્યો  બદલાય છે, આર્થિક મૂલ્યો બદલાય છે, નૈતિક મૂલ્યો બદલાય છે, પરંતુ પારિવારિક મૂલ્યો બદલાતાં નથી. ભારતીયો પારિવારિક મૂલ્યોને સર્વોચ્ચ ગણે છે. ભારતનો એક વિશાળ મધ્યમવર્ગ પારિવારિક મૂલ્યોના કન્ડિશનિંગ સાથે મોટો થાય છે. ૨૫ વર્ષે એક ઠીકઠાક નોકરી, ૩૦ સુધીમાં લગ્ન અને ૩૨ સુધીમાં બે (મિનિમમ) બચ્ચાં.  આ ડિફોલ્ટ કન્ડિશનિંગ સ્ત્રીઓ માટે ભયાનક હોય છે. આત્મહત્યા કરનારી મોટા ભાગની સ્ત્રીઓ લગ્ન અને એના પગલે સર્જાનારી સ્વર્ગીય દુનિયાનાં દીવાસ્વપ્ન જોઈને મોટી થઈ હોય છે.

ઠીકઠાક ભણતર (સારો વર મળે એ માટે, કારકિર્દી માટે નહીં) પછી એ સમયસર પરણી જાય છે. ડેડલાઈનની અંદર બચ્ચાં પેદા થાય છે અને પછી જ્યારે ભણતરના વળતરમાં મળે તો વર જાનવર સાબિત થાય છે અને મમ્મી-ડેડી, દાદા-દાદીએ મનમાં ઠસાવેલ લગ્નની ખોખલી દુનિયા ધ્વસ્ત થાય છે. ત્યારે આ સ્ત્રીઓના બહાર નીકળવાના તમામ રસ્તા બંધ થઈ ચૂક્યા હોય છે. કદાચિત્ એ પોતાના પગ પર ઊભી રહે તો પણ તૂટેલા લગ્નજીવનની સામાજિક શરમનું શું? એક જ રસ્તો છે : ટેરેસ પર જવાનો.

પારિવારિક મૂલ્યોની આપણી નિર્દયી વ્યવસ્થામાં ડિવોર્સ કે સ્ત્રીઓની એકલતા (સિંગલહૂડ)ને કોઈ સ્થાન નથી. એનાથી વિપરીત એ એક અભિશાપ છે અને આ અભિશાપને કારણે જ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે. ભારતમાં જો ડિવોર્સ લગ્ન જેટલા જ સરળ અને સ્વીકાર્ય હોય અને પ્રત્યેક પિતા એની દીકરીને સ્વતંત્ર રીતે જીવન જીવવાના પાઠ ભણાવે તો આપણે ત્યાં સ્ત્રીઓની આત્મહત્યાના કિસ્સા ઘટી જાય અને તો જ લગ્ન બંધનના બદલે સાચા અર્થમાં બગીચો બની જાય.

અમારી એક અમેરિકન ફેસબુક ફ્રેન્ડે એની ‘વોલ’ પર અમેરિકન સ્ટાર ઇંગ્રીડ બર્ગમેનનું વિધાન મૂક્યું છે : “એક ઘર હોય, પતિ હોય, બચ્ચાં હોય... એ સ્તો આપણું જીવન છે, પણ મને લાગે છે કે (એમાં) રોજ એક દિવસ ફોગટમાં જાય છે. જાણે હું અડધી જીવતી છું અને અડધી એક કોથળામાં ગૂંગળાઈ રહી છું.” આ એક અમેરિકન, સ્વતંત્ર અને પગભર સ્ત્રીની વેદના છે. અમારી એ ગુજરાતી ફ્રેન્ડ પછી (એઝ યુઝવલ) ફેસબુક ચર્ચામાં લખે છે, “વાત સ્વતંત્રતાની નથી, પણ માતૃત્વ કે પિતૃત્વ સાથે જે રોમેન્ટિસીઝમ જોડી દેવાયું છે એની છે. મુદ્દો એ છે કે ક્યારેક એનો ભાર લાગે છે. લગ્નમાં પોતાના માટે થોડી જગ્યા, થોડો અવકાશ હોવો જોઈએ. (ઇંગ્રીડ બર્ગમેન, ઇંગ્રીડ બર્ગમેન અને કોથળાની ગૂંગળામણ!)

અભ્યાસ કહે છે કે ભારતમાં ડિવોર્સની સંખ્યા વધી રહી છે. આ સારી વાત છે. મતલબ કે સ્ત્રીઓ ટેરેસના રસ્તે જવાને બદલે ડિવોર્સના રસ્તે જાય એવો બદલાવ આવકાર્ય છે. કહે છે કે કોઈ પણ સમાજને સમજવો હોય તો એની સ્ત્રીઓની સ્થિતિને સમજવી. આ માપદંડ પ્રમાણે વધુ ને વધુ સ્ત્રીઓ ડિવોર્સનો વિકલ્પ પસંદ કરે છે, એ સારા સમાચાર કહેવાય. એનાં બે કારણ છે, એક તો આ સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર છે અને બીજું, એ મોટાં શહેરોમાં રહેનારી છે, જ્યાં ડિવોર્સ હોવાની શરમ પ્રમાણમાં ઓછી છે.


લગ્ન એક પવિત્ર બંધન (આ નામની એક ટીવી શ્રેણી ધૂંઆધાર લોકપ્રિય છે) છે એવી મધ્યમ વર્ગીય માન્યતા તૂટવી જોઈએ. લગ્ન પછી પ્રેમનાં ફૂલ ખીલે છે એ બીજી ગેરમાન્યતા છે. હા, ટેરેસના દરવાજા જરૂર ખૂલે છે. પ્રેમને અને લગ્નને કોઈ લેવાદેવા નથી. બે વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતી હોય તો મેરેજ ર્સિટફિકેટના કાગળિયાથી શું ફરક પડે. અને બંને જો કમિટેડ ન હોય તો પછી લગ્નની જંજીર પહેરવાનો મતલબ શું? શાદી અને બરબાદી પરની એકમાત્ર અર્થપૂર્ણ હિન્દી ફિલ્મ ‘અર્થ’ (૧૯૮૨)માં નાયક ઇન્દર (કુલભૂષણ) કવિતા (સ્મિતા પાટિલ)ના ઇશ્કમાં વિરક્ત થઈને પત્ની પૂજા (શબાના આઝમી) પાસે ડિવોર્સ પેપર્સ પર હસ્તાક્ષર લેવા આવે છે ત્યારે પૂજા કહે છે, “બેચારી કવિતા... જીસ શાદી કે બંધન કે લિયે ઇતની બેકરાર હૈ ઉસે યે માલૂમ નહીં કે વો શાદી એક કાગઝ કે ટુકડો સે તૂટ શકતી હૈ!”

લગ્ન અને પ્રેમની પૂરી બદમાશી આપણી પારિવારિક મૂલ્ય વ્યવસ્થામાંથી આવે છે. બે તદ્દન અજાણ્યાં લોકો સાથે સૂઈને બચ્ચાં પેદા કરે અને એમાં આડઅસરરૂપે પ્રેમ પણ પેદા થઈ જાય એવી બેવકૂફીના કારણે ઘણી સ્ત્રીઓએ જાન ગુમાવ્યો છે, જે ગુજરાતમાં દીકરીઓ પર જાત-જાતની ચોપડીઓ પ્રકાશિત થાય છે એ જ ગુજરાતમાં દીકરી ‘સાપનો ભારો’ પણ ગણાય છે, આજેય... ટુ હેલ વિથ ધ ફેમિલી વેલ્યુ.
  - રાજ ગોસ્વામી

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં. ...

No comments:

Post a Comment