Thursday, June 16, 2011

ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે ! – by વિનોદ ભટ્ટ

આજે ચંદ્રગ્રહણ છે.  આખી દુનિયા હાલ એની જ વાત કરે છે. તો આજે  ચંદ્ર  ચર્ચા   ...  :-) ... ના ભાઈ આપણે કોઈ સાયન્ટિફીક ચર્ચા કે " તમારો ચંદ્ર નબળો છે કે સબળો ..." એવી જ્યોતિષ ચર્ચા પણ નહી ... ચંન્દ્ર પર પ્રથમવાર પગ મૂકતી વખતે આમ્ર સ્ટ્રોંગ ના શુ એક્શન - રીએક્શન હતા એ વિનોદ ભટ્ટના શબ્દોમા ... અને ચંદ્રની વાત હોય અને ગઝલ ના હોય એમ બને ! ... 

 તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !..... 

1969ની વીસમી જુલાઈએ નીલ આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પગ મૂક્યો ત્યારે અમે અમારાં ધાબામાં સૂતાં સૂતાં ચન્દ્ર સામે તાકી રહ્યા હતા – એ તપાસવા કે ચન્દ્ર પર કોઈ માણસ ચાલતો દેખાય છે ? એક સજ્જન એ વખતે કહેતા હતા કે સારું છે કે આજે સુદ બીજ છે, બાકી એ લોકો અમાસના દિવસે જશે તો તેમને મુસીબત થશે, ચન્દ્ર જડશે જ નહીં…. ખરેખર તો તેમણે પૂનમની રાતે જ ત્યાં ઊતરવું જોઈએ – બધું બરાબર જોઈ તો શકાય ! અમેરિકી સમય પ્રમાણે રાત્રે દસ ને ઓગણચાલીસ મિનિટે આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પહેલાં પોતાનો ડાબો પગ મૂક્યો હતો ત્યારે ચન્દ્ર પર દિવસ હતો. ત્યાંનો એક દિવસ આપણા ચૌદ દિવસ જેવડો મોટો છે – આનો અર્થ એવો થાય કે ત્યાં જો માણસો વસવાટ કરે ને સરકારી કચેરીઓ સ્થપાય તો કર્મચારીઓનો પગાર દર બે દિવસે કરવો પડે. આપણા ફેબ્રુઆરી મહિનાની જેમ ત્યાં અઠ્ઠાવીસ દિવસનો મહિનો ગણાય. લેણદાર પાસેથી બે દિવસના વાયદે લીધેલ પૈસા અહીં અઠ્ઠાવીસ દિવસ સુધી વાપરી શકાય. આમ તો અહીંથી (એટલે કે અમેરિકાથી) ત્રણ વિજ્ઞાનીઓ ચન્દ્ર પર ગયેલા, પણ ચન્દ્ર પર પગ મૂકવાનું સદભાગ્ય તો નીલ આર્મસ્ટ્રૉંગ અને એડવિન એલ્ડ્રીનને જ મળ્યું. સાથે હોવા છતાં માઈકલ કૉલિન્સના ભાગ્યમાં તો યાનમાં જ બેસીને ‘બોર’ થવાનું આવ્યું. લાવ, જરા બહાર નીકળીને પગ છૂટો કરી આવીએ કે આસપાસ કોઈ પાનનો ગલ્લો હોય તો એકસોવીસનો માવો (કિમામ જ્યાદા) ખાઈ આવીએ એવું મન તે ન કરી શક્યો – આનું નામ નસીબ ! – ચંદ્ર પર હોવા છતાં તેના પર પગ કે માથું ટેકવવાની ખુશનસીબી તેને ન મળી. આર્મસ્ટ્રૉંગ જ્યારે 18-20 વર્ષનો હશે ત્યારે તેની કુંડળી કે હથેળી જોઈને જ્યોતિષીએ તેને કહ્યું હોત કે તારો ચન્દ્ર અતિ બળવાન છે, એક દિવસ એવો આવશે જ્યારે તું સાક્ષાત ચન્દ્રને મળી શકીશ, તો આર્મસ્ટ્રૉંગે એને ગપ્પું માની મજાક ઉડાવી હોત, પણ હવે તે જ્યોતિષીઓને પૂછતો હશે કે જુઓ ને, મારે મંગળગમનનો યોગ છે કે નહીં ?

 ચન્દ્રયાન ‘ઈગલ’માંથી બહાર નીકળવા અગાઉ બારણું ખોલવા આર્મસ્ટ્રૉંગ તૈયાર થયો ત્યાર પહેલાં તેણે બહાર જવાનો પોશાક પહેરી લીધો હતો – ભલે આપણને કોઈ ઓળખે – ન ઓળખે પણ કપડાં તો વ્યવસ્થિત પહેરવાં જોઈએ ને ! સવાલ પૃથ્વીની આબરૂનો હતો. કાશ્મીરમાં હિમવર્ષા વખતે આપણે જેમ શરીરને ગરમ કપડાં-ધાબળા વગેરેથી ઢાંકી દઈએ છીએ એ રીતે તેણે સમદબાણનો પોશાક પહેરીને શરીરને મૂનપ્રૂફ બનાવી દીધું હતું. કહેવાય છે કે ચન્દ્ર પર ઑક્સિજનનું નામ નથી. ચન્દ્ર પર હવા પણ નથી (ત્યાં પતંગ ચડાવી શકાય નહીં). એટલે વાતાવરણના યોગ્ય દબાણ વિના અને પ્રાણવાયુ વગર ચન્દ્ર પર માણસ તરત જ ગુજરી જાય. આપણે મરવા માટે ડૉક્ટરની મદદ લેવી પડે છે – ત્યાં એવી જરૂર ન પડે, એમ જ ઊકલી જવાય. ચન્દ્ર પર ગરમી તેમજ ઠંડી અસહ્ય છે – એ.સી., આઈસ્ક્રીમ ને બરફનો ધંધો ધમધોકાર ચાલી શકે, ગરમ કપડાંનો પણ. ના છત્રી, રેઈનકોટના ધંધાવાળા ભૂખે મરે.

આર્મસ્ટ્રૉંગ અહીંથી કૅમેરો લઈ ગયો હતો, પણ ફોટા પાડતાં પહેલાં ત્યાં તે કોઈને ‘સ્માઈલ પ્લીઝ’ કહી શક્યો નહોતો. ચન્દ્ર પરથી તેને એફિલ ટાવર કે તાજમહાલ દેખાયા નહોતા. હા, ચીનની દીવાલ જોઈ શકેલો. આયરિશ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉએ ચીનની દીવાલ પ્લેનમાં ઊડીને જોઈ હતી. પત્રકારોએ તેને પૂછ્યું હતું કે ચીનની દીવાલ તમને કેવી લાગી ? – ત્યારે તેણે કહેલું કે દીવાલ જેવી લાગે એવી આ દીવાલ લાગી હતી, એમાં બીજું શું લાગે ! – અમારા જેવો દોઢ ડાહ્યો ત્યાં હાજર હોત તો શૉને પૂછત કે પેલી કહેવત પ્રમાણે ચીનની દીવાલને કાન હતા ? પૃથ્વી કરતાં ચન્દ્ર પર છઠ્ઠા ભાગનું જ ગુરુત્વાકર્ષણ છે, આ કારણે આર્મસ્ટ્રૉંગનું વજન પણ પૃથ્વીના મુકાબલે છઠ્ઠા ભાગનું થઈ ગયું હતું. આ હિસાબે ચન્દ્ર પર ગધેડા ફાવી જવાના. અહીંના કરતાં ત્યાં તે વધુ માટી પોતાની પીઠ પર ઉઠાવી શકશે, મજૂરી પણ વધુ પામશે. જોકે એ તેના માલિક લઈ લેશે….. શોષણ તો ચન્દ્ર પર પણ થવાનું.
પતિ બહારગામથી આવે ત્યારે તેની પત્ની રિવાજ મુજબ પૂછતી હોય છે કે મારા માટે શું લઈ આવ્યા ? – એ રીતે ચન્દ્ર પરથી પાછા ફરેલા આર્મસ્ટ્રૉંગની સ્ત્રીએ પણ તેને પૂછ્યું હશે કે 3,65,192 કિલોમીટર ફરી આવ્યા, ત્યાંથી મારા માટે શું લઈ આવ્યા ? ‘ધૂળ.’ આર્મસ્ટ્રૉંગે હસીને જવાબ દીધો હશે ત્યારે ખીજમાં તે સ્ત્રી બોલી હશે : ‘આ તો પાઉડર જેવી ઝીણી માટી છે, આનાથી તો વાસણ પણ ન મંજાય…’ એ સ્ત્રી સામે દયાથી જોતાં તે વિચારતો હશે કે આને બાપડીને ક્યાં ખબર છે કે અડતાલીસ રતલ માટીનાં ઢેફાં ઊંચકી લાવવાનો ખર્ચ 38,400 કરોડ ડૉલર થયો છે – આમાંની ચપટી ધૂળ કેટલાની થાય ? જોકે આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર વિશે બહુ વાતો નથી કરી. આ અંગે તે કોઈને ઈન્ટરવ્યૂ આપતો નથી – ચન્દ્ર પર તે પોતાનો અબાધિત અધિકાર ભોગવવા માગતો હોય એમ બને. પણ બાકીના બે યાત્રીઓને ચન્દ્ર બરાબરનો ચડી ગયેલો. એક માનસિક રીતે ચન્દ્ર પર રહેવા ઈચ્છતો હોય તેમ દારૂની લતે ચડી ગયેલો ને બીજાએ ત્રણ વખત લગ્ન કર્યાં છે.

ચન્દ્રને પાગલપણા સાથે સીધો સંબંધ છે એમ કહેવાય છે. .... 

- વિનોદ ભટ્ટ ...
આભાર - readgujarati.com

સાચે જ ચંન્દ્રને પાગલપણા સાથે સીધો સંબંધ હોય એમ લાગે જ  છે ....

અને છેલ્લે ...

હુ ય સૂર્ય છુ, હુ ય ચંદ્ર છુ
હુ ઉગી જઈશ મને પ્રેમ કર..
હુ નથી જ સુંદર તે છતા,
હુ ગમી જઈશ મને પ્રેમ કર. ....

No comments:

Post a Comment