Wednesday, November 30, 2011

અચાનક અકળ કૈં દ્રવી જાય છે,
ઝીલું ત્યાંજ એ ઝરમરી જાય છે.
ધધખતાં હ્રદયની ધમણ ફૂંક પર,
રુધિર લોહરસમાં ઢળી જાય છે.


-પંચમ શુક્લ 
------------------------------------------------------------------
જીવનના મુસાફર શોધે છે રસ્તામાં ઉતારો શા માટે?
મુજ પ્યારની રંગત ઝંખે છે એનો અણસારો શા માટે?

આ આંખ ભટકતાં થાકી ગઇ, આ પ્રેમને પોરો ખાવો છે,
કોઇ દિલની સરાઇ છોડીને ગલીઓમાં ગુજારો શા માટે?

છે ચાહતની બલિહારી અજબ, હું એક જ ઉત્તર શોધું છું,
કે આંખોથી સત્કાર કરો ને મુખથી નકારો શા માટે?

હું ઠપકો દઉં છું રોજ, હ્રદયને રોજ દિલાસો આપું છું,
કે તું ય પકડવા દોડે છે એ પ્યારનો પારો શા માટે?

સપનાંનું રેશમ જાય બળી, ને આશાની મૂરઝાય કળી,
કોઇ લીલાછમ ખેતરને ખોળે ગમનો અંગારો શા માટે?

જ્યાં જોગ નથી, જ્યાં ભોગ નથી, સુખદુ:ખના જ્યાં સંજોગ નથી,
જ્યાં પ્યાર કર્યાનું પાપ નથી, એવો જન્મારો શા માટે?

હું મોતનું જીવન જીવું છું, બિસ્મિલની બોલી બોલું છું,
ને શબ જેવા આ દિલમાં યા રબ! આ ધબકારો, શા માટે?

- વેણીભાઇ પુરોહિત

Tuesday, November 29, 2011

લાગણીનો રંગ ...

લાગણીનો રંગ ઘેરો હોય છે,
આંખમાં એનો જ ચ્હેરો હોય છે.


શ્વાસ, ધડકન કે વિચારોના વમળ
હર તરફ એનો જ પહેરો હોય છે.


એ મળે તો એમ લાગે રણમહીં,
ચોતરફ સાગરની લ્હેરો હોય છે.


સાવ સીધી વાતમાં ઢાળે નજર,
પાંપણોમાં ભેદ ગહેરો હોય છે.


એમને કુરબાન મારી સૌ દુઆ,
પણ ખુદા, તું કેમ બ્હેરો હોય છે.


એ નદી થઇને નહીં આવી શકે,
એટલે ચિક્કાર નહેરો હોય છે ?


ઝાંઝવાનો દેશ ‘ચાતક’ને ફળે,
શક્યતા નામેય શહેરો હોય છે. 


- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’


Monday, November 28, 2011

તું ઈટ્ટાકિટ્ટા છોડ ...

(તને હું બહુ કનડું છું નઈં...?!)

તું ઈટ્ટાકિટ્ટા છોડ
અરે,
આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયુ બનાવી શકાય છે!
એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક નયે હોઉં
પણ ઘડીકમાં ચોર પગલે
તારી શય્યામાં સળ થઈ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડીયે જાઉં
હું કાંઈ નક્કી નહીં હોઉં
તારા પુસ્તકનું સત્યાવીસમું પાનું હોઈશ
તું ચાલે એ રસ્તો હોઈશ
ક્યારેક રીસે ભરાઉ તો
તું મને સંભારે પણ હું તારી યાદમાં ન જ આવુ
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસુ
ક્યારેક જુની પેટીમાં છુપાયેલ મારો કોઈ પત્ર બની
હું અચાનક જડુ ને તને રડાવીય દઉં, હા…

પણ અંતે તો સોનલ
તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારુ બદલાતુ દ્રશ્ય
આપણે અરસપરસ છીએ
તારા સ્તનનો ગૌર વળાંક હું છું
તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું
તારા અરીસામાં દેખાતુ પ્રતિબિંબ હું છું
તારી સકળ સુંદરતા બની
તને ભેટી પડ્યો છું
તારુ સકળ સોનલપણુ જ હું છું લે…
અને તારે મારો ઇન્કાર કરવો છે?
એ પ્રયત્ન કરી જો
ગદરીયા વચ્ચે બેસીને કોઈ
દરિયાનો ઇન્કાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે?
તને હું બહુ કનડું છું કેમ?
શું કરું?
પ્રેમ સિવાય મારા માટે બધુ જ દુષ્કર છે.
તું જ કહે તને ન ચાહુ તો હું શું કરું?
આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ?
એક શરીરની બે આંખ છીએ?
મને તો ખબર જ પડતી નથી
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.
આ તું અને હું ના ટંટા શા માટે?

અરે…રે
તું સાવ બુધ્ધુ જ રહી
આંખ મીંચીને રમીએ તેને સંતાકુકડી કહેવાય
કંઈ ‘જુદાઈ’ ન કહેવાય
ચાલ, ઈટ્ટાકિટ્ટા છોડ
અને કહી દે કે હું હારી....

- રમેશ પારેખ

Thursday, November 24, 2011

દિકરીની વિદાયનુ ગીત ...

આજકાલ લગ્ન સીઝન શરુ થઈ છે.. જો કે હવે સીઝન જેવુ કંઈ રહ્યુ નથી, લોકો પોનાતી અનુકુળતાએ અને ઉતાવળે હવેબારેય મહિનામાં ગમે ત્યારે લગ્ન કરતા હોય છે. જમાનો બદલાયો એમ હવે લગ્નો પણ બદલાયા છે, લગ્નના મૂલ્યો પણ બદલાયા છે.....પહેલા દસ-્બાર દિવસ ચાલતા લગ્નો હવે બે દિવસમાં આટૉપી દેવાય છે.પહેલા અડોસ-પડોસને કુટુંબની મહિલાઓના મુખે ગવાતા ફ્ટાણા હવે પ્રોફેશનલ સીંગર ગૃપ પાસે ગવડાય છે.... ઘર આંગણે થતા લગ્નો દૂર વાડીઓમાં પતાવાય છે. બધુ બદલાતુ ગયુ છે
ધીમે ધીમે ... પણ એક વાત હજી એવી ને એવી છે દિકરીની વિદાય અને એ વિદાય વખતે દિકરી અને મા-બાપની આંખોના આંસુ .... એનો રંગ, એની ખારાશ, એ વેદના અને લાગણી આજે પણ એવાજ છે ... અને એ વિદાય આજે પણ એટલી જ વસમી હોય છે ...

વ્હાલી દિકરી,

તુ પતંગિયુ
ફળિયામાં ઉડાઉડની રંગોળી પૂરે
બંસી વાગે
ને તુ ચૂપચાપ ઊપડી જાય
પછી રંગોળીના રંગો ઝૂરે
એ ઝૂરાપો અમારે શિરે

તું ક્યારે મોટી થઈ ગઈ ... ખબરે ના પડી

હજી તો તારી જીદ તારી અકડતા
પરસાળે બેઠા છે
ને તું શ્વસુરગૃહે ચાલી નીકળી...

તનેય નહી ગોઠે એની જાણ છે અમને

અમનેય સુનું લાગશે, સૂનકાર ભાસશે
થોડા આંસુ, ભીની આંખ
એ જ અમારી આજે પાંખ

દીકરી તારી વિદાયને સુખથી ભરી દેવા

પવન વરસાદ વાદળ વીજ ચારેકોરથી આવે ...


- "?"

Tuesday, November 22, 2011

ઝાંઝવુ અને હરણ ...

ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
        કે મારી પાછળ તું દોડ નહી આમ.
હરણાંના શમણાંઓ આંખથી ઝરી ગયાં
        બળી     ગયુ     લાગણીનુ  ગામ.

પહેલાં તો જળ થઈ ઊંડેરો સાદ કર્યો
        પછી કહ્યુ - " હું તો કેવળ ઝાંઝવુ છુ !"
કંઠમાં તરસ લઈ આખીયે જિંદગી
         હરણાં એ હવે તો કરાંજવુ રહ્યુ.
ઝાંઝવુ તો ઝાંઝવુ પણ મારાથી તારા વિના
        કેમે   કરીને   નહી   રહેવાશે,  રામ !

શ્વાસ શ્વાસ રણ અને આસપાસ ઝાંઝવાં
        ને    હરણાની   વાંઝ્ણી   આ    દોટ
અણદીઠો પારધી તાકીને તીર બેઠો
        જીવતે    જીવત     હવે     મોત.
રાખ રાખ થઈ ગઈ મારી આ જિંદગી
        એને   શાને    દિયો    હવે   ડામ ?

ઝાંઝવાએ એક દિવસ હરણાંને કહ્યુ
        કે મારી પાછળ તું દોડ નહી આમ.

- સુરેશ દલાલ.

Thursday, November 17, 2011

તારો કાગળ રોજ મળે છે ...(પ્રભુને પત્ર)

પ્રિય પ્રભુ,

તારો કાગળ રોજ મળે છે ...

તડકો જાણે થઈ ટ્પાલી તારો કાગળ લાવે,
કુદરત જાણે તારા અક્ષર ખૂબ વ્હાલથી વાવે ...
રોમરોમને કળ વળે છે
તારો કાગળ રોજ મળે છે ...

પરબિડિયુ ઉઘડેને એમ જ ઊઘડે ફૂલ સુગંધ,

સંબોધનમાં ઝાક્ળ વાંચી ઝાંખો થાય સંબંધ ...
પ્રેમ આ તારો પળેપળે છે
તારો કાગળ રોજ મળે છે...

તુ ઉકલે ને જન્માક્ષ્રરોને ટાઢક વળતી લાગે,

મારુ જીવતર તારા માટે શ્વાસે શ્વાસે જાગે ...
સપના જેવી સાંજ ઢળે છે
તારો કાગળ રોજ મળે છે ...

મૂંગો બાળક સાદ કરે ને એવો મારો સાદ,

તું પણ બોલે શબ્દ વગરનુ તો પણ તું વરસાદ
ચોમાસામાં આંખ ગળે છે
તારો કાગળ રોજ મળે છે ...

લિખિતંગ હું વાંચુ ત્યાં તો તું ઊભો  છે સામે

આવી રીતે મળતો હો તો કાયમ માટે જામે ...
તું મારામાં ઓગળે છે\
તારો કાગળ રોજ મળે છે ...

- અંકિત ત્રિવેદી

Wednesday, November 16, 2011

ઇશ્વર મળે .....

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે .....


- હિતેન આનંદપરા


Friday, November 4, 2011

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? ........... 
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

- જવાહર બક્ષી

Thursday, November 3, 2011

નથી ગમતું ..

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.


- ‘રૂસ્વા’ મઝલૂમી

Tuesday, November 1, 2011

લિ.એક દુ:ખી આત્મા ...

આજે ફરી કંઈક હળવુ - હળવુ .......

ડિઅર ટેકનિકલ સપોર્ટ,

ગયા વર્ષેજ મે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને અપડેટ કરીને તેને વાઇફ ૧.૦ માં પરિવર્તિત કર્યો છે, પણ થોડા સમયમાં જ મને ખ્યાલ આવ્યો કે વાઇફ ૧.૦ મારી સિસ્ટમનો વિશાળ હિસ્સો રોકિ લે છે. અને મારા અનેક કિંમતી ’સોર્સ’ નો અનધિકૃત રીતે વપરાશ કરી લે છે, આ સિવાય તે પોગ્રામ મારા બિજા અનેક પોગ્રામમાં પગપેસારો કરી લે છે. આ પોગ્રામને કારણે મિત્ર ગોષ્ઠિ ૪.૫, રાત્રિ વિચરણ ૨.૪ અને સ્નાન મુક્તિ (સ્ટાન્ડર્ડ) જેવા મારી સિસ્ટમના અનેક પોગ્રામ ’રન’ થતા નથી અને ’સિસ્ટમ ફેઇલ્યોર’ નો મેસેજ આપે છે.હવે ફરીથી હુ ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામને ઇનસ્ટોલ કરવા ઇચ્છુ છુ પણ વાઇફ ૧.૦ ને અનઇનસ્ટોલ કરવા માટે કોઇ વિકલ્પ મને મળતા નથી. મહેરબાની કરી મને મદદ કરો.

–  લિ.એક દુ:ખી આત્મા

----------------------------------------------------------------------------------------------------------

ડિઅર દુ:ખી આત્મા,

તમારા જેવી સમસ્યાનો સામનો વાઇફ ૧.૦ ઇનસ્ટોલ કરનાર મોટાભાગની વ્યક્તિઓને કરવો પડે છે આ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેનામાં સુધારો કરવો,કે તેને ડિલિટ કરવી અથવા તો તેને અનઇનસ્ટોલ કરવાનુ કાર્ય તદન અસંમભવિત છે. હવે તમે ગર્લફ્રેન્ડ ૭.૦ પોગ્રામનો વપરાશ કરિ શકશો નહિ. કારણ કે વાઇફ ૧.૦ પોગ્રામમાં આવી કોઇ સુવિધા નથી, એટલે અમે તમારા માટે પ્રાર્થના જ કરી શકિયે છીએ તેમજ કોઇ મદદ કરિ શકતા નથી..આભાર


–  લિ. ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ