Friday, July 1, 2011

આસપાસ

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને -
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ....

- મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment