Wednesday, September 21, 2011

મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ...

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ,  તણખલાંઓ ચાવીએ

ખળ ખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ  ભીનાં  ફરીથી,  ફરીથી  સુકાઈએ

ઉગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી  ભરી  ભરી  બધે  તડકો  ઉડાવીએ

વાતાવરણમાં ધુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠા કરી દ્ર્શ્યો  તારવીએ

આંગળીઓ એકબીજાની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ ...

- હેંમંત ધોરડા

Sunday, September 18, 2011

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે ..

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

- ધ્રુવ ભટ્ટ

Tuesday, September 13, 2011

માનવીના રૂપમાં મનસૂર છું....

રંગ છું હું, રોશની છું, નૂર છું;
માનવીના રૂપમાં મનસૂર છું.

…પાપ પૂણ્યોની સીમાથી દૂર છું,
માફ કર, ફિતરતથી હું મજબૂર છું.

ઘેન આંખોમાં છે ઘેરી આંખનું,
કોણ કે’છે હું નશમાં ચૂર છું?

કૈં નથી તો યે જુઓ શું શું નથી,
હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

ભીંત છે વચ્ચે ફકત અવકાશની,
કેમ માનું તુજ થકી હું દૂર છું?

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,
આમ છું ખાલી છતાં ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રૂસ્વા’ નથી,
ખૂબ છું બદનામ, પણ મશહૂર છું.

- ‘રૂસ્વા’ મઝલુમી

Saturday, September 10, 2011

એથી વધુ નજીક તો આવી નહીં શકું. ...

એવું નથી કે હોડી બનાવી નહીં શકું,
પણ છે નદી બરફની, તરાવી નહીં શકું;
ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું.

- રઈશ મનીઆર

 " સ્વમાન" બહુ અઘરો શેબ્દ છે. લોકો સ્વમાન અને અભિમાન વચ્ચે ભેદ તારવી નથી શકતા .... એટલે ક્યારેક સ્વમાન ખાતર કહેવાયેલી વાતો ને અભિમાન સમજી જતા હોય છે .... અને એમાં ઘણા સંબંધો પણ તૂટી જતા હોય છે.  પણ સ્વમાનના ભોગે ભલા કોંઈ સંબધ બાંધી શકાય ખરા !  અને જે સંબંધમાં સ્વમાન ના જળવાય એ વળી "સંબંધ " કઈ રીતે કહેવાય ! સંબંધમાં તો હંમેશા સહ્ર્દયતા હોય ! અને જ્યાં સહ્ર્દયતા હોય ત્યાં એકબીજાના સ્વમાન આપોઆપ જળવાઈ જતા હોય ... અને એમાંય વળી જ્યાં પ્રેમ ની વાત આવે ત્યાં તો એકબીજાને ના ગમતી વાતો પણ સહજતા થી જળવાઈ જવી જોઈએ ... એકબીજાના "સ્વ" નું માન ના રાખી શકે ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ  શકે  ? હા, ત્યાં પ્રેમ નો ભ્રમ ચોક્ક્સ હોઈ શકે .... અને  ભ્રમ જેટલા જલદી ભાંગી જાય એ જ સારુ રહે છે .....

એટલે જ તો કવિ કેટલી ખુમારી થી કહે છે -  સ્વમાન ના ભોગે તો હુ પ્રેમ નહી કરી શકુ ... 

"ઊભો છું વ્હેંત છેટે ને વચ્ચે સ્વમાન છે,
એથી વધુ નજીક તો આવી નહીં શકું. ... "


જીવનની આવી સરળ વાતો ખબર નહી કેમ બધાને સરળાતી નથી સમજાતી !

અને છેલ્લે ....

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

- આદિલ મન્સૂરી

Monday, September 5, 2011

" કૃષ્ણાયન " ... થોડાક અંશ

મથુરાની આંખોને લ્હેવા જતાંય કદી
મનમાં શું એમ જરા આવ્યું ?
કે ગોકુળ મોંફાટ હશે રોયું !
શ્યામ ! તમે ચપટીમાં ગોકુળિયું ખોયું .......


હમણા જ શ્રી કાજલ ઓઝા વૈધની " કૃષ્ણાયન " વાંચી એમાંથી  થોડાક અંશ  આજે અહી વહે્ચવાની ઈચ્છા થાય છે થોડાક ફરી ક્યારેક  ... 

દ્રશ્ય કંઈક આવુ છે .... યાદવાસ્થળી પછી દુખી થઈને ઝાડ નીચે બેઠેલા કૃષ્ણના પગમાં જરા નામના શિકારીથી ભુલથી બાણ વાગી જાય છે. હવે કૃષ્ણનુ મૃત્યુ નજીક છે.... અને અંતિમ સમયે એમને એમનુ આખુ જીવન યાદ આવી રહ્યુ છે ... ખાસ કરીને એમના જીવનની ત્રણ મહત્વની સ્ત્રીઓ રાધા - રુકીમણી અને દ્રૌપદી .... પ્રેમિકા - પત્નિ અને સખી ....  યાદમા ખોવાયેલા કૃષ્ણ પાસે લેખિકા ધ્વારા બોલાવડાવેલ  કેટલાક સંવાદ ....
--------------------------------------------------------------------

- "સ્ત્રીઓ શા માટે એક્બીજાથી જુદી નથી હોતી ? 
 
કોઈપણ યુગની, કોઈ પણ વયની સ્ત્રી શા માટે એક્સરખુ વિચારે છે ? શા માટે એકસરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એક સરખી બાબતે પીડા અનુભવે છે ? શા માટે એકસરખી વાત પર ક્રોધિત થાય છે ? અને ક્રોધ વ્યક્ત કરવાની રીત પણ શા માટે એકસરખી હોય છે ? " કૃષ્ણના મનમાં પ્રશ્નો ઉદભવતા હતા ....


- " સાથે સાથે જીવનારા બે જણાને વિયોગની ભયાવહતા ત્યારે જ સમજાતી હશે, જ્યારે વિદાયની પળ સાવ સામે આવીને ઊભી રહે. એ પળ ક્યારેય આવશે જ નહી , એવા સુખદ ભ્રમમાં જીવતા સર્વે જીવો કાં તો એ પળનું સત્ય જાણતા નથી અને જો જાણતા પણ હોય તો એને સ્વીકાર કરવાની માનસિકતા એમની નથી હોતી.
ભવિષ્યમાં વિયોગ થશે એમ માનીને આજ ની સુખદ પળને નકારવાની કે તિરસ્કારવાની આવશ્યકતા નથી. પરંતુ, આવનારી પળ પ્રત્યે આંખો મીંચવાથી એ નહી આવે, અથવા નિશ્ચિત સમય કરતા મોડી આવશે એવુ પણ નથી જ !
વિદાય આવશે જ. જેનો આરંભ થયો છે એનો ક્યાંક પહોંચીને અંત પણ થશે જ. એ જાણનારા, જાણીને સ્વીકારનારા કદાચ વર્તમાનને વધુ આનંદ થી, વધુ સંતોષથી માણી શકે છે...... "


- " પાર્થ, સ્ત્રી અને પુરુષમાં ફેર છે. એમની નીતિ, એમના ધર્મો, એમની વિચારવાની પધ્ધતિ પણ જુદી જુદી છે... એક ઋદયથી વિચારે છે અને બીજો મસ્તિષ્ક્થી ... સ્ત્રી પ્રેમ કરવામાં પુરુષ કરતા વિષેશ શક્તિમાન છે. સ્ત્રીને માટે પ્રેમ સમર્પણ છે. પ્રેમ સેવા છે, પ્રેમ સહચાર્ય છે. જ્યારે પુરુષ માટે પ્રેમ વધુ કે ઓછા અંશે આત્મિક્મ આધ્યાત્મિક અન્ય્ભવ છે. જ્યારે પુરુષ માટે એ ક્ષણિક આવેગનુ નામ છે.... સ્ત્રીની નીતિ એક જ પુરુષને જીવનભર સમર્પિત રહેવાની છે, જ્યારે પુરુષ બહુ વિવાહી રહીને સર્વેને ચાહી શકે છે.સ્ત્રી ક્ષમા કરી શકે છે પુરુષના ભયાનક અપરાધને પણ - જ્યારે પુરુષ ધર્મ અને વેરની ભાષા જાણે છે."


- " પુરુષ સ્ત્રીમા ઘણુબધુ ઝંખે છે. એક મા, એક પ્રિયતમા, એક પત્નિ, એક મિત્ર, એક મંત્રી અને ક્યારેક એક વિચક્ષણ શત્રુ પણ ..... " 
  
-------------------------------------------------------------------- 

અને છેલ્લે ...

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી
સાત સાત સૂરના મેઘના ધનુષ જેમ
રોમ રોમ રાગીણી જાગી ….

ફૂંકે તે સૂર સૂર, ઝીલે તે સૂર સૂર
સૂર સૂર શ્યામ અને રાધા
ખીલ્યું છે સૂરધનું આંખનાં અગાધ એમાં
ઓગળે છે દ્વેત આધા આધા
સૂરનો ત્રિભંગ સોહે મોહે વરમાંડ, આજ
અદકું કંઇ વિશ્વ વરણાગી….

માધવે રાધા જ્યાં અધરે ધરી કે આખી
વાંસળીની જેમ ઉઠી વાગી .....

- ઉશનસ

Friday, September 2, 2011

કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ...


લ્યો ફરી વર્ષો પછીથી  શાયરી કહેવાઈ ગઈ,
મૌનની જાહોજલાલી ફરી લૂંટાઈ ગઈ.

તીવ્રતા બુઠી થઈ ગઈ ને ગા લ ગાનાં બંધનો,

બેડીઓનો દેશ છે અને કરવતો ખોવાઈ ગઈ.

એ જ ગઝલો એ જ લોકો એ જ અધૂરાં સ્વપ્ન બે,

કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.

શું કરૂં, મારા રુદનની સાબિતિનુ શુ કરુ ?

એક ક્ષણ ખાલી હ્સ્યો એમાં છબી ખેંચાઈ ગઈ.

આ જ મારી કાયમી ભીનાશનું કારણ કહું

એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ .....

- સૌમ્ય જોષી.

Tuesday, August 30, 2011

કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

ખુદ નો સંભળાતો નથી જ્યાં સાદ સૌને !!
છોડ સરવાળા, કરી દે બાદ સૌને.

કેદ છે મારી ભીતર ખૂંખાર સત્યો,
તું કહે તો હું કરું આઝાદ સૌને !!
 
એ સળગતા ઘરમાં વરસો થી રહે છે !
છત ટપકવાની કરે ફરિયાદ સૌને !!

માત્ર એ દેખાય છે સંભળાય છે, બસ,
કેમ સમજાતો નથી વરસાદ સૌને ?

થઇ ગયો કેવો બધાનો લાડકો હું !
જ્યાર થી માની લીધા ઉસ્તાદ સૌને. 
 
- ભાવેશ ભટ્ટ 

Friday, August 26, 2011

દર્પણ લિબાસમાં....

પોલાણ  કેટલાં ભર્યા   નક્કર  પહાડમાં
બોલી રહી હતી નદી દરિયાના  કાનમાં

ખોટોય  અર્થ   નીકળે બસ  એ જ બીકથી
મેં  લાગણી મૂકી  દીધી પાછી કબાટમાં

આ બારણું નથી જરા તું ધ્યાનથી નીરખ
ઉઘાડબંધ    થાય  છે    ચહેરો   કમાડમાં

ખિસ્સા  તપાસતાં  જ  પુષ્પગંધ નીકળી
બદનામ  થઇ ગયો પવન આખાય બાગમાં

સામે ય   આવતાં નથી લોકો    ડરી ગયા
જેવું  જડી  દીધું  અમે    દર્પણ લિબાસમાં....

- ભરત વિંઝુડા


Sunday, August 21, 2011

શ્યામ! તારા રંગે રંગાઈ ...

આવતી કાલે જન્માષ્ટમી છે .... અને જન્માષ્ટમી હોય એટલે શ્રી કૃષ્ણ તો યાદ  આવે જ ને ! અને શ્યામ યાદ આવે તો રાધા ને કેમ કરી ભુલાય ? એક ભગવાન તરીકે નહી પણ  મહાભારતના એક પાત્ર તરીકે પણ જોઈએ તોયે કૃષ્ણ એક અદભુત  અદભુત અદભુત વ્યક્તિ હતા ... કદાચ ભારતના ઈતિહાસ માં એક રામ અને એક કૃષ્ણ ના હોત તો ભારતની સંસ્કૃતિ આટ્લી મહાન અને અજોડ ના હોત ... તો એ અદભુત વ્યક્તિના જન્મ દિવસની ખુશીમા ... એક અદભુત ગીત ... 

શ્યામ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રુપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ- દોથ ચાખી.  

 
શીકાંઓ તોડ મારા વસ્તર તુ  ચોર,
મારી હેલ્યુની હેલ્યુ દે ભાંગી
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બહાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.
શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી ....

 
 - વિવેક મનહર ટેલર

Friday, August 19, 2011

કૂતરું ........- by shri Saumya Joshi

इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग  है क्युं ?
तेरा दिल तो इतना बडा है, इन्सानका दिल तंग   है  क्युं?
कदम कदम पर सरहद कयुं है, सारी झमीं जब है तेरी ,
सूरज के फेरे करती है, फिर क्युं इतनी है  अंधेरी ? ................. 
ખબર છે ૧૫મી ઓગસ્ટ તો ગઈ ને એક દિવસ માટે ઢોકળાના પેલા ઈન્સ્ટ્ન્ટ ખીરામા ઉભરો આવે ને ઈન્સ્ટન્ટ શમી જાય એમ ફોનના ઈનબોક્સથી માંડીને સોસીયલ નેટવર્કની સાઈટ્સના સ્ટેટસ પર બધે દેશપ્રેમ ઝળકી ગયો ..... હા ! મોટેભાગે એ ઝળકીને "જતો"  રહે છે .... જો કે હાલ તો  અણ્ણા સાહેબ ના કારણે પણ લોકોમા સારો એવો દેશ પ્રેમ ઝળકી રહ્યો છે .... ખેર આ બધી ચર્ચાઓ તો આસપાસ ને ટીવી ન્યુઝમા જોરશોર થી ચાલે જ છે ... એટલે એની ચર્ચા અહી નથી કરવી ... 
પણ સંદર્ભ સારો નિકળ્યો છે તો શ્રી સૌમ્ય જોષીની અને મારી એકદમ ફેવરીટ આ કવિતા પોસ્ટ કરવાની ઈચ્છા થાય છે  .... આમ તો કવિતા વાચતા પહેલી દ્ર્શ્ટીએ તો એમ જ લાગશે કે આ તો નવરાત્રીમા પોસ્ટ કરવી જોઈએ .... પણ એ જ તો એની ખૂબી છે કવિતાના અંત તરફ વધીએ ત્યારે ખબર પડે છે કે ધીરે ધીરે  એ કેટલી સહજતા થી કેવા ગંભીર સબજેક્ટ પર પહોચી જાય છે ....  એક ખુબ જ રમૂજ ઘટનાથી શરુ થયેલી વાત આખી માણસજાત પર કેવો સેટાયર કરી જાય છે ! ... ચાલો વધારે સસ્પેન્સ ક્રીએટ નહી કરુ .............. આમ તો એને સૌમ્ય સાહેબના અવાજમા સાંભળવી એક લ્હાવો છે ... પણ એને વાચવી અને  સમજવી એ પણ કવિતાના રસિયાઓ માટે તો કાઈ ઓછુ ના કહેવાય !
ગરબે અણઘડ  શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ,
જવાન બુઢ્ઢા બાળક ઘૂમે નવરાતર ને કોલ.

ગોકુળ કરતાં જુદું અહી તો ગોપી એટલા કહાન,
શહેર નામનુ ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન.

વીજ્ળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક,
એવામાં પણ એક કૂતરાએ મૂકી કળજક પોક.

મા્જમ રાત ને ગરબે ઘૂમે ચણિયા-ચોળી- આભલાં,
પણ કૂતરાના ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા.

કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત,
મારા થાંભલા ફરતો ઘૂમે માણસ છે કમજાત.

કૂતરાને કૂતરાપણું રોમરોમથી ડંખે,
આ તે કેવી જાત જે સાલી થાંભલા માટે ઝંખે.

કૂતરું જાણે વણવરસેલું ધોધમાર વાદળિયું,
કયા દેવને પૂજે ને ક્યાં ક્યાં બાંધે માદળિયુ.

કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ,
જ્યાંત્યાં જે તે કરી શકે કોઈની નઈ મરજાદ.

(પણ) આજે પૂંછડે લટકી ગ્યો છે મોટપણાનો ભાર,
થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર ?

નિયમો હારે સહનશક્તિઓ ધીંગણાઓ કરતી,
કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી.

રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ,
એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ.

શહેર આખું સૂતું'તું બસ કૂતરું છાપું સમજ્યું'તું,
માણસ નામે પ્રાણી કાલે હિન્દુ -મુસ્લિમ થઈ ગ્યું'તું.

કૂતરાને થઈ ગ્યું કે સાલો માણસ કેવી જાત ?
એવો થઈ ગ્યો જાણે કાલે બની ન કોઈ વાત.

આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો'તો,
આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથ્થડતો'તો.

કૂતરાની આખીયે જાત સહીસલામત ફરતી'તી,
માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખ્ખડતી'તી.

મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યુ'તું,
શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું'તું.

કૂતરાને થઈ ગ્યું કે આ તો લોહી પાડતી જાત,
એની સામે મૂતરું એમાં નથી શરમની વાત.

ભરગરબામાં કૂતરું એનું  ઊંચું કરતું પગ,
માણસ સામે નઈ સંકોરું શરમ નામની શગ.

કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું,
એવામાં એણે ઓલીપાર બીજુ કૂતરુ દીઠું.

( હવે ) કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત,
આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત.

માણસ કરડે માણસને ને ભડકે બળતું શહેર,
મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જનમનું વેર ??


- સૌમ્ય જોષી.
 અને છેલ્લે ....
इस दुनिया के दामन पर इन्सान के लहूका रंग है क्युं ?
इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?  ...

गूंज रही है कितनी चीखें, प्यारकी बातें कौन सुने,
टूट रहें है, कितने सपने, इनके टुकडे कौन चुने ?

दिलके दरवाझों पर ताले, तालों पर ये झंग है कयुं ?
इश्वर अल्लाह तेरे जहांमें नफरत क्युं है, जंग है क्युं ?  ...
  –  जावेद अख्तर