ખોળો વાળીને સીમ ફેંદી વળી ને
હવે ફળિયે બેઠી છુ મારી ધૂનમાં,
કે મારા ઘેટાં ખોવાઈ ઉનમાં
રણની રેતીમાં જો મોતી ખોવાય તો
રણને હું આંક લઈ ચાળું
ઊનના ઢગલામાં કાનટોપી દેખાય, પણ
ઘેટાંને ક્યાંય નહીં ભાળું.
નેજવું કરીને આખો વગડો જોયો ને
હવે ડેલીએ બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.
ઊનના દોરાની એક કેડી પકડીને
હું ઘેટાંને ગૂંથવા બેઠી
ઘેટાંને બદલે હું હાથમોજું લૈયાવી
કેટ્લીયે ગૂંચ મેં તો વેઠી .
ઊનના દડાની હૂંફ આઘી હડસેલી
હવે તડકે બેઠી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં.
ઊનને મેં ઘેટાંની ચામડી માની, પણ
ઘેટાંને ઊન થકી છેટું
મારું કોઈ ઠેકાણું રહ્યું નથી ક્યાંય
મારા ધાબળાનું સરનામું ઘેટું
કાળો તે કામળો ઓઢીને શેરીએ ફરવા
નીકળી છું મારી ધૂનમાં,
કે મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં. ....
- અનિલ જોષી
No comments:
Post a Comment