Tuesday, June 14, 2011

કોને ખબર ? ....

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

- રમેશ પારેખ
( આભાર - "લયસ્તરો")

આજ રચના પરથી શ્રી બિમલ દેસાઈ ‘નારાજ’ એ કરેલી રચના ... 

કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?

કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?

લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?............


(આભાર "સહિયારુ સર્જન"  )

No comments:

Post a Comment