એક-બે આંસુ ઉછીના લાવવાના લોન પર,
લાગણીઓના મિનારા બાંધવાના લોન પર.
સાત ફેરાઓ ફર્યે કિસ્મત બદલતી હોય તો,
આગ જેવી આગને લઈ આવવાના લોન પર.
જિંદગી કૈં બેન્કમાં મૂકેલ થાપણ તો નથી,
રોજ શ્વાસોને જઈ ઉપાડવાના લોન પર.
જળ હવે જીવી રહ્યા છે ઝાંઝવાની રે’મથી,
વૃક્ષ જેવા વૃક્ષને ઉગાડવાના લોન પર.
સૂર્યમુખીને ભલા કોઈ જઈ કહેશો નહીં,
વાદળો તડકો સૂરજને આપવાના લોન પર.
એક શર્તે હુંય સપનાંઓ ઉછીના દઈ શકું,
પાંપણો પર ઘર નહીં બંધાવવાના લોન પર.
ગર્વ છે ‘ચાતક’, સમયની સ્હેજ ઉધારી નથી,
કિશ્ત અઘરાં છે અહીં ચુકાવવાના લોન પર....
- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
No comments:
Post a Comment