Sunday, December 4, 2011

પ્રિય પ્રભુ ... (પ્રભુને પત્ર)

દોસ્ત જ્યારે ખૂબ વ્હાલો હોય ત્યારે એ આપણા જીવનમાં ઈશ્વરની લગોલગનુ સ્થાન ભોગવતો હોય છે. પણ જો ઈશ્વરને આપણે જીવનમાં દોસ્તની લગોલગ નુ સ્થાન આપી દઈએ તો .... તો કદાચ ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા બમણી થઈ જાય, ઈશ્વર સાથે વાત કરવી સરળ થઈ જાય અને તેને અર્પણ થતી પ્રાર્થનામા પવિત્રતાનુ પ્રમાણ વધી જાય ..... કવિ, લેખક , સંપાદક અને એક સારા વક્તા એવા શ્રી અંકિત ત્રિવેદીએ કંઈક આવુ જ કર્યુ છે ....

પ્રિય પ્રભુ,

વ્યક્તિ ખૂબ જ ગમવા માંડે ,
વધારે પડતી અંગત થવા માંડે પછી -
'તમે' નું સંબોધન ઓગળીને
'તુ' માં પરિણમતુ હોય છે.

તને પ્રાર્થનામાં શોધ્યો ...,
માળાના મણકામાં શોધ આદરી તારી ...,
બહારનાં દ્રશ્યો સાથે કિટ્ટા કરી
પરંતુ કોઈ મોટો માણસ એપોઈન્ટ્મેન્ટ આપીને
આત્મિયતા વગર મળતો હોય એવુ લાગ્યું ...

પછી તને દોસ્ત તરીકે સ્વીકાર્યો
ફોન જોડ્યા વગર વાત કરી તારી સાથે ...
તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નિકળી પડ્યો ...
હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે
પવનની દરેક અદામાં તારો મિજાજ પરખાય છે.
કુદરતની બધી જ કળાઓ
તારી મૌનવાણીનો મુખર પ્રદેશ લાગે છે ...

દ્રશ્ટી તારી  સૃષ્ટિને જુદા એંગલથી જોવા લાગી છે .
તારી પ્રગટેલી પૃથ્વી પર દુખ છે જ નહી
દુખ એ તો એક માણસે
બીજા માણસને આપેલી ભેટ છે.
તું તો અમને જીવન આપવામાં માને છે
અને જીવન એ તો આનંદથી વિતાવવાનું વેકેશન છે ...

મારી પાસે મીરાબાઈનુ ગીત નથી
એકતારાનુ સંગીત નથી
મારુ બધુ જ ભુલીને
તારી પાસે આવી શકુ એ શક્ય પણ નથી

કારણ કે તે જ મને વ્યસ્ત રાખ્યો છે
મારી પાસે સવારે ઊઠવાનો અવકાશ છે પણ,
નરસિંહ મહેતાનું પ્રભાતિયુ નથી.
કરતાલનો કલરવ નથી
જીવનની નજીક જતાં ઉત્પન્ન થયેલો કકળાટ છે.
મારા માથા પર કશુ જ નથી
છ્તાંય મોરપિચ્છની હળવાશ નથી.

મારી પાસે તને આપવા જેટલુ સ્મિત છે ...
બચાવીને રાખેલો ઉમળકો છે ...
તું મળીશ ત્યારે તને પોંખવા માટે
સંઘરી રાખેલુ વ્હાલ છે ...
કો'ક ખૂણે ફંફોસીશ તો પ્રતિક્ષા પણ મળી આવશે ...
હું 'આજનો' માણસ છુ. તારુ સાહસ છુ.
બોલ, મારી સાથે દોસ્તી ફાવશે ને?

લિ,
તારામાં ઓગળવા મથતો ...

No comments:

Post a Comment