કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યુ છે ૨૦૧૧ ના વર્ષને વિદાય થવામાં હવે થોડા કલાકોની વાર છે. થોડી સારી અને થોડી માઠી એવી યાદો, થોડા ઝગડા, થોડો પ્રેમ , થોડી મસ્તી અને થોડી ભક્તિ ............ એ બધાને ત્યાં જ મૂકીને નવા આનંદ અને નવી યાદો, નવા ઝગડા અને થોડો વધુ પ્રેમ ..... બધા સાથે ૨૦૧૨ને લાગણી ભીનો આવકાર ...... અને એ સાથે અંકિત ત્રિવેદીનો આ પ્રભુને પત્ર. વર્ષના છેલ્લા દિવસે મારે પણ પ્રભુ ને આ જ કહેવાનુ છે. ......
પ્રિય પ્રભુ,
અમારા ચહેરા પર ઉલ્લાસ જોવા ઈચ્છતો હોય તો આટલું કરજે જ...
કોઈપણ પ્રકારની હિંસા કરવા માગતા મનુષ્યના હ્ર્દયમાં
વૃક્ષારોપણ કરવાનુ સપનુ ઉછેરજે ...
ઘરડાં મા-બાપને દિકરો વૃધ્ધાશ્રમમા મૂકી આવે
એ પહેલાં તારી પાસે બોલાવી લે જે ...
એમની આંખોમાં
ઝાંખાપાંખા થઈ ગયેલા વર્ષોની આબરુ જાળવી લેજે ...
પ્રેમલગ્ન કર્યા પછી પણ છૂટા પડવા માગતા બે હૈયાને
પ્રેમની અદબ જાળવીને છુટા પાડવામાં મદદ કરજે ...
વરે ઘડીએ તારી પાસે આવીને
હાથ લાંબો કરનારા માણસોને જીવનમાં
સ્વાવલંબી બનવા માટે આત્મ્વિશ્વાસ આપજે ...
મુશ્કેલીના સમયે ધરીલી ધીરજને શ્રધ્ધાનુ ફળ આપજે ...
ગમતી વ્યક્તિની જોવાતી રાહમાં શબરીની પ્રતિક્ષા
જેટલી તીવ્રતા ન હોય એ કબૂલ,
પણ એ રાહમાં પ્રમાણિકતાની સુગંધ ઉમેરજે ...
એકબીજાને છેતરી વેતરી વિસ્તરેલા શહેરને
પોતાના 'હોવા ' વિષે શંકા થતી હોય છે ક્યારેક!
ત્યારે તું સંપની ભાષા શીખવાડવા મા મદદ કરજે ...
અમારી ભુલોને અમે નિતિ-નિયમોમાં ઢાંકી દીધી છે,
અમને બિન્દાસ્ત જિવાડવામાં મદદ કરજે ...
આટલુ કહ્યા પછી પણ
અમારે શુ કરવુ એની ખબર પણ ક્યા પડે છે?
આપેક્ષા અને મહત્વકાંક્ષા વચ્ચેના ભેદને તું
રુબરુ મળે ત્યારે સમજાશે ...
લિ.
તારા અંશનો વંશજ ...
No comments:
Post a Comment