Wednesday, January 25, 2012

તારા વિના કશે મન લાગતું નથી...

તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી

પોતીકા થઇ ગયા હતાં આ વૃક્ષો ને ખેતરો
ને આપણા થયા’તા નદી ને સરોવરો

એમાંનું કોઇ સ્વજન લાગતું નથી.
તારા વિના કશે મન લાગતું નથી

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું

ખુદનું વતન હવે વતન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ

આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી
તારા વિના કશે મન લાગતું નથી
જીવી શકાય એવું જીવન લાગતું નથી ...

– મુકુલ ચોકસી

Sunday, January 22, 2012

આપણાથી નહી બને...

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,
બધા જેવાં થવાનું આપણાથી નહી બને.

તું હ્રદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું આપણાથી નહી બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા મંડ્યો બધી,
પણ તને સમજાવવાનું આપણાથી નહી બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું આપણાથી નહી બને.

આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહી બને.

- ગૌરાંગ ઠાકર

Special Thanks to Mr. Daxesh Chauhan because of his posting ...

Wednesday, January 18, 2012

નથી મળ્યું...

અપનાવી લઉં બધાને એવું મન નથી મળ્યું,
જીવન સમજવા જેટલું જીવન નથી મળ્યુ.

રઘુવીર તો ચાલ્યા ગયા, તિલક રહ્યાં નથી,
અફસોસ માણસ જાતને ચંદન નથી મળ્યું.

કેવળ કર્યું છે પ્રાપ્ત ઉંચું સ્થાન નામથી,
ઊંચું હકીકતમાં કોઈ સર્જન નથી મળ્યું.

છોડી દઉં સામટું પળવારમાં કિંતુ,
મારી અપેક્ષા જેટલું બંધન નથી મળ્યું.

ચાહ્યા કરી છે મૂર્તિઓને આંખથી બહુ,
પથ્થર તરફથી કોઈપણ દર્શન નથી મળ્યું .....

- સ્નેહલ જોષી

Monday, January 16, 2012

એક છોકરો...

દરરોજ ભારે ભોજન લઈએ તો ક્યારેક પેટમાં અકળામણ થવા લાગે. એવે સમયે  હળવો ખોરાક સારો લાગે. એમ ક્યારેક હળવી વાતો પણ વાંચવી જરુરી છે. તો આજે એક હઝલ...

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ આખો દી ફરતો રાઊન્ડ રે ...
એના આખા જીવનનું તું લાગે છે કમ્પાઉન્ડ રે ...

ધીમે ધીમે પડશે સમજણ કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું પહેલા તો વરસ રીમઝીમ ...

facebook ને orkut, આખો દિવસ internet કરે છે
નાહકનો એને તું who is that કરે છે...

એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે !!!

- અંકિત ત્રિવેદી

Saturday, January 14, 2012

જિંદગી ધીરેધીરે સમજાય ...

પાનખરમાં પાન ખરતાં જાય છે,
જિંદગી ધીરેધીરે સમજાય છે.

જ્ઞાન બોધિનું મળે ચારે તરફ
બુદ્ધ થઈને તોય ક્યાં રહેવાય છે ?

એક વીજળીનો ઝગારો લાવતાં,
આભને અંધાર આવી જાય છે.

હોઠથી પ્રારંભ પામેલી કથા,
આંખથી ક્યાં પૂર્ણતઃ કહેવાય છે ?

રૂપ ને સૌંદર્યના સ્વામી બની,
ફુલ પણ ક્યારેક તો પસ્તાય છે.

એ પ્રતિક્ષાનો ખરે મહિમા હશે,
નામ ‘ચાતક’નું હજી લેવાય છે.

- દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

Friday, January 13, 2012

સાંવરિયો રે મારો સાંવરિયો ...

આજે  "સરવાણી" ને બરાબર એક વર્ષ પુરુ થયુ .... ગઈ ૧૨ જાન્યુઆરીએ  બસ એમ જ એક નાનકડા વિચાર સાથે આ બ્લોગ શરુ કરેલો ... ખાલી એવી ભાવના સાથે કે જે કંઈ સારુ મારા વાંચવા કે જાણવામાં આવે એ મિત્રો સાથે, જાણ્યા-અજાણ્યા લોકો સાથે share કરી શકુ. એમાંથી જેમને પણ પોતાનુ કંઈ મનગમતુ  વાંચવાનુ મળી જાય અને બે ઘડી પણ એ એનો આનંદ માણી શકે તો આ બ્લોગ સફળ થયેલ ગણાય ... આશા રાખુ છુ આ વર્ષે કંઈક વધારે વાચવા લાયક અને વહેચવા લાયક સાહિત્ય અહી મૂકી શકુ ...

તો આજે   "સરવાણી "ના જન્મદિવસે કવિ શ્રી રમેશ પારેખની કલમે લખાયેલ અને મારુ  મનગમતુ  ગીત સાવરિયો ...

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમા
મારા વાલમજીનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો ...... સાંવરિયો રે મારો સાંવરિયો
   
કોઈ પૂછે કે ઘર તારું કેવડું ?
મારા વ્હાલમજી બાથ ભરે એવડું !
આંખ ખટકે ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો  ...... સાંવરિયો રે મારો સાંવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો  ...... સાંવરિયો રે મારો સાંવરિયો

- રમેશ પારેખ 

You can listen this song on tahuko.com and also here http://www.youtube.com/watch?v=pA0In3LmeZ4&noredirect=1

Wednesday, January 11, 2012

એકો અહં, ધ્વિતિય નાસ્તિ ...

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી....


એમ તો દુનિયામાં દરેક માણસ અનોખો અને અજોડ છે. વૈચાતિક રીતે ભલે એ ટોળામાંના ઘેટામાંની જેમ જીવતો હોય અને કદાચ કંઈક અલગ ના પણ જીવતો હોય તો પણ  બાયોલોજીકલી તો એ સાવ સાચુ જ છે કે એક માણસ બીજાથી સાવ અલગ છે. માણસ જ શુ કામ!  ઉપરવાળા એ ઘડેલી દરેક વસ્તુ એક્બીજાથી થોડી તો અલગ હોય જ છે. ભીડમાંથી અલગ પડવા માટે ક્યારેક આવી શારિરિક ભિન્ન્તા તો ક્યારેક વૈચારિક ભિન્નતા કામમાં આવે છે .

એકો અહં, ધ્વિતિય નાસ્તિ ... એના પર ચંદ્રકાન્ત બક્ષીના કેટલાક વિચારો ...

જીવનના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.

આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અધ્વિતીય હોય અથવા ન હોઈ શકે
પણ એનો ધ્વિતિય નથી,

એના અંગુઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ, એના ભૂતકાળના ઉભાર ઉતાર,

એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ- પિતાત્વ - પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે

જ્યારે કહી શકે છે
એકો અહં, ધ્વિતિય નાસ્તિ ...
ન ભૂતો ન ભવિષ્યતિ ...

હું એક જ છુ. મારા જેવો બીજો નથી.
ભૂતકાળમાં હતો નહીં, ભવિષ્યમાં થશે નહી ...

- from the book "Ego" by Chandrakant Bakshi

Monday, January 9, 2012

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા.

કોઈ બીલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

એમણે એવું કહ્યું જીવન નહી શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દિવાલ પર આવી ગયા.....


- અનિલ ચાવડા

Thursday, January 5, 2012

આપણી આ વાર્તા ...

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત

કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત

જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઇ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંજ

છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત ...

- સંજુ વાળા

Tuesday, January 3, 2012

નવા વર્ષની નવલી રજુઆત ...

સર્વ લોકોનુ ૨૦૧૨ નુ વર્ષ ભીની ભીની લાગણીઓથી તરબતર વીતે અને સર્વના જીવનમાં ફૂલ ગુલાબી આનંદ અને વાસંતી વાયરો પથરાયેલો રહે એવી શુભકામના સાથે  નવા વર્ષની પ્રથમ રજુઆત ....

છે ભુલા પડવાનો એક જ ફાયદો
કેટ્લા રસ્તા પરિચિત થાય છે ?
- અમિત વ્યાસ

કાંઠાઓ રોઈ રોઈને જ્ળને પૂછ્યા કરે
પાડી ગયુ છે કોણ આ પગલાં તળાવમાં ...
- અશોક ચાવડા

જન્માક્ષ્રરમાં શનિ ને મંગળ નડતા રહેશે જ્યોતિષ કહે છે,
વ્રત ઉપવાસો કર્યા કરવુ સાચુ ખોટુ ઈશ્વર જાણે ....
- આશા પુરોહિત

વિશ્વ આખામાં તને શોધ્યા પછી,
આખરે તો તું મળે છે ભીતરે ....
- 'તખ્ત' સોલંકી