Monday, April 4, 2011

હું કદી મને માફ નહી કરુ....

કહેવાય છે કે સાચા સંબંધો સાચવવા પડતા નથી. પણ દરેક વખતે એવુ નથી હોતુ. સાચવવા ના પડે એવો સંબંધ રાખવા વાળુ કોઈ એકાદ જણ પણ મળી જાય તો એનાથી વધારે તો બીજુ સારુ શુ હોઈ શકે! પણ હકીકતમા તો સંબંધો સાચવવા જ પડતા હોય છે અને એ પણ કાળજી પૂર્વક. કોઈ નાનો - નાજુક છોડ ઉછેરતા હોઈએ એમ સંબંધ પણ ચીવટ્તાથી ઉછેરવા પડતા હોય છે. છતાંપણ એવા સંબંધો  ક્યારે સૂકાઈ જાય કઈ કહી શકાતુ નથી. એકસમયે સાવ નિકટ લાગતા દોસ્તો કે સગા-સંબંધીઓ ધીમે ધીમે ક્યારે દૂર થઈ જાય છે એ સમજાતુ નથી હોતુ અને ક્યરેક તો એવા સંબંધો એક ઝટકામા ટૂટી જાય છે. ત્યારે આપણે હંમેશા સામાવાળાને દોષ આપીએ છીએ. પણ હકીકતે આમ જોવા જઈએ તો એવા પ્રસંગે આપણે ખુદ વધારે જવાબદાર હોઈએ છીએ. આપણે રોજબરોજ અનેક લોકો ને મળીએ છીએ તો કોણે કીધુ હતુ તમને એ અનેકમાથી અમુક થોડાકને જ તમારા જીવનમા ખાસ મહત્વ આપવાનુ ! એ નિર્ણય જો તમારા ખુદનો હોય તો  એમાથી અમુક સંબંધ તૂટે તો એના માટે પહેલી જવાબદાર વ્યક્તિ તો તમે પોતે જ ગણાવ ને !જેમકે  કવિ સુરેશ દલાલ કહે છે એમ-  " તારા આવા વર્તન માટે તો હું કદીક તને માફ કરીશ; પણ તારા શબ્દોથી ભોળવાઈ જઈને  મેં મારી લાગણી, મેં મારુ સમગ્ર જીવન  તારામાં આરોપી દીધું છે, એને માટે
હું કદી મને માફ નહી કરુ."



રાતના અંધકારમાં તારા હોઠેથી અલકનંદાના જળની જેમ
શબ્દો વહ્યા
"તારા સાન્નિધ્યમાં મને સુખની અનુભૂતિ થાય છે."
આ શબ્દો
રાતરાણીની ડાળ પર ગુલાબ થઈને મ્હોરી ઉઠ્યા હતા.
એ શબ્દોમાં મને જાણે કે 
સ્વર્ગની આશાએશ મળી હતી.
એ શબ્દોમાં આશા હતી,
નાજુક ક્ષણોની મુલાયમતા હતી.
શાંતિ હતી, વિશ્વાસ હતો ,
જીવવા માટે પ્રયોજન હતુ.
મારા માટે તો એ શબ્દો સ્વયં જીવન થઈ ગયા.

આ રાત, આ શબ્દો આ અનુભવ
પછી આપણે મળતા રહ્યાં,
પણ
મિલનની તીવ્રતા અને
આત્મિયતા - એનો અર્થ
પ્રત્યેક પળે આપણે માટે ઉઘડ્તો રહ્યો.

આ શબ્દો ક્યારેક મારી આંખ સામે 
સમુદ્ર્ના જળ પર
તડકો રેલાય એમ રેલાતા રહ્યા છે.
આ શબ્દો ક્યારેક
ઘરને આંગણે બગીચો રચાય એમ હરિયાળા થતા રહ્યા છે.

આ શબ્દો 
પછી હતું તો કેવળ મૌન,
પણ એ મૌનને
સ્પર્શની ભાષા હતી.

કોણ જાણે શું થયુ કે તારી એ અનુભૂતિ
તારા એ શબ્દો
ઉડી ગયા ઝાકળબિંદુની જેમ.

હવે મને શબ્દોમાં
કે સ્પર્શની  ભાષામાં
કે હતાશામાં જ આથમતી આશામાં
જીવનનું પ્રયોજન કે જીવન
દેખાતું નથી.

હવે આપણે મળીએ છીએ ખરાં,
પણ
એમાં આત્મીયતા નથી,
ઉષ્મા નથી, સંબંધની સુષમા નથી.
મને હંમેશાં એમ લાગે છે
કે તારી પાસે મારા જેટલી
તરસ નથી, કે નથી મારી તરસની તને સમજ.
તરસ તો હરણનાં કંઠમાં થીજી ગઈ છે
રણની રેતીનો પથ્થર થઈને.
હવે ક્યારેક તું જ મને કહે છે 
કે હું ઝાંઝવું છું
મારી પાછળ દોડ નહી
કાળના રસ્તા પર મારા પગ થીજી ગયા છે
હું પણ સમજુ છુ
કે પ્રેમ છે બે વ્યક્તિની 
ભીતરની ગરજ
પ્રેમ નથી એકપક્ષી અરજ
બુધ્ધિથી સમજવું એ એક વાત છે.
હ્રદયથી અનુભવવુ એ બીજી વાત છે.

તારી સાથે એક થવાની
એકરુપ થવાની
મને ખૂબ ઝંખના હતી.
પ્રત્યેક રાત પછી પરોઢની
મારી પાસે
એક મેઘધનુષી કલ્પના હતી.
હવે તું પડખુ ફરીને સૂઈ જાય છે ત્યારે
આપણા પલંગ પરથી
કોઈ કાળી બિલાડી
પસાર થતી હોય એવું લાગે છે.

રાતનો અંધકાર
રળિયામણો નથી લાગતો
હવે બિહામણો લાગે છે
તારા આવા વર્તન માટે તો
હું કદીક તને માફ કરીશ;
પણ તારા શબ્દોથી ભોળવાઈ જઈને
મેં મારી લાગણી
મેં મારુ સમગ્ર જીવન 
તારામાં આરોપી દીધું છે, એને માટે
હું કદી મને માફ નહી કરુ.


- સુરેશ દલાલ 

No comments:

Post a Comment