Friday, April 1, 2011

તારી સાથેના સંબંધ પછી ...

આજે ફરી એક્વાર સુરેશ દલાલની અછાંદસ કવિતા ... કવિતા ઘણી લાંબી છે પણ સુરેશ દલાલ ની આવી અછાંદસ કવિતાઓની વિષેશતા એ જ છે કે એને ક્યાંયપણથી વાંચવાનુ શરુ કરો પંક્તિઓનું દરેક ઝુમખુ એક નવી અને અલગ જ કવિતા લાગશે. અને શબ્દોની પસંદગીની બાબતમા તો એમ જ કહેવુ પડે કે સુરેશ દલાલની ડીક્ષનરી સાવ અલગ જ છે જેમકે "મને માણસની તરસ છે ...", "મૌનવટો"  કે પછી "અરીસાને બુઝવવો ..." આવી કલ્પના અને આવા શબ્દો સુરેશ દલાલ જેવા અનન્ય કવિ જ રચી શકે ... સાવ સાદી વાતો કરતા હોય એમ લખાયેલી એમની અછાંદસ કવિતાઓમાં જો કે ગહન વેદના દેખાયા વગર રહેતી નથી...

તારી સાથેના સંબંધ પછી ...

હું પ્રવાસે નીકળ્યો છુ,
બીજા કોઈની સાથે નહી,
મારી પોતાની સાથે.
પગમાં રસ્તો છે અને આકાશ  છે માથે
મને સ્થળમા રસ છે ખરો પણ માણસમા મારો જીવ ભરાયો છે.
માણસથી મારો જીવ કદીયે ધરાયો નથી.
માણસ વિનાનુ કોઈપણ સ્થળ મને સ્મશાન લાગે છે
આકાશ ગમે છે
પણ પંખી વિનાનુ આકાશ નિર્જીવ લાગે છે
દરિયો ગમે છે
પણ હોડી વિનાનો દરિયો મને ખાલીખમ લાગે છે.

મને માણસની તરસ છે
વાત કરવા માટે, પ્રેમ કરવા માટે, ઝ્ઘડવા માટે,
ઝ્ઘડીને જીવ બાળવા માટે,
ફરી પાછુ મનનુ સમાધાન કરવા માટે.
હસવા માટે, રડવા માટે,
આંસુ લૂછવા માટે, સાથે બેસીને ખાવા માટે,
જામના જામ ગટગટાવા માટે,
બારણા બંધ કરવા અને ખટખટાવા માટે,
રોશનીમાં અરીસાને જોવા માટે,
અને અરીસાને બુઝવવા માટે,
મને માણસની તરસ છે.

હું પ્રવાસે નીકળુ છુ ત્યારે
આમ તો સાવ એકલો નીકળુ છુ,
પણ રસ્તે મળતા માણસને
મને પણ ખબર ન પડે એમ
ચૂપચાપ , કોઈકને હ્ર્દય આપી બેસું છુ;
કોઈકને ગીત, કોઈક્ને સ્મિત,
વાતો તો ખૂટતી જ નથી.
ક્યારેક લાગે છે કે,
વાત કરવા માટે હોઠ ઓછા પડે છે,
શબ્દો પોક્ળ અને પોચા પડે છે.
ક્યારેક મૌનથી વાતો કરું છુ
તો ક્યારેક વાતોથી હું મને મૌનવટો આપું છુ.

રસ્તા પર કોઈ નથી હોતુ ત્યારે
તારી સ્મ્રુતિ હોય છે.
તારી સ્મ્રુતિને ઉછેરી છે બગીચાની જેમ.
મારા બગીચામાં વ્રુક્ષો અનેક છે
પણ પાંદડે પાંદડે તારું નામ ઝાકળથી ઢંકાયુ છે.
મારે તારા નામને ક્યાંય પ્રગટ નથી કરવું.
શક્ય હોય તો, મારા થી પણ સંતાડી રાખવુ છે.
તારા નામનો એક ચમત્કાર છે.
એ ચમત્કારથી આસપાસના માણસોનું ટોળું અદ્ર્શ્ય થાય છે
અને દેખાય છે માત્ર
તારો ચહેરો
કોઈ પાગલ હવાની જેમ એ મારી આસપાસ વીંટળાઈ વળે છે.
મને આ રીતે વીંટળાઈ જવું ગમે છે.
અત્યારે તો રસ્તા પર હું ચાલુ છુ
તારા વિના
પણ તુ જો હોત ..... તો  રસ્તો આપમેળે ચાલવા લાગત.

તું અને રસ્તો બંને સાથે નથી મળતા
જીવનમાં માત્ર આ જ એક વસવસો છે.
તું પોતે જ રસ્તો છે અને એટલે જ હું ચાલું છું
જો મારુ ચાલે
તો તારા વિનાના મારા જીવનને દફનાવી દઊં, સળગાવી દઊ.

હું ચાલુ છુ
એ એક રીતે મારી આત્મહત્યાનો પ્રકાર છે.
અનેક પ્રકારની આત્મહત્યાઓ હોય છે.
હું ચાલીને, બોલીને, લખીને, મૂંગો રહીને, સિગરેટ પીને,
કે, સિગરેટ ન પીને,
કદાચ
આત્મહત્યા જ કરું છુ.

તારી સાથેના સંબંધ પછી
અસંબધ્ધ વાતો કરવી મને ગમે છે.
એક પછે એક વાતોના પગથિયે બેસવું મને ગમતુ નથી.
હું ક્યારેક
દરિયાનાં મોજાંને પગથિયે બેસુ છું અને ફસડાઈ જાઉં છું.

ક્યારેક,

હું સુક્કી ડાળી પર મારો વિસામો શોધુ છું.
ઝાંઝ્વાના પડછાયામાં ક્યારેક હું સૂઈ જાઉ છું.
આંખોને, ઉંઘને અને સપનાંને કોઈ સંબંધ હોતો નથી
ક્યારેક,
હું ધોધમાર રડું છું, વૈશાખની જેમ બળું છું,
તો ક્યારેક,
હું રડતો નથી એમ
મને અને તને અને સૌને મનાવવા માટે ખડખડાટ હસુ છું.

આ રંગભૂમિ પર એક વિદુષકની જેમ
જીવી લઉં છુ
જખમને ઉઘાડા કરવાનો કોઈ આનંદ નથી.
જખમને કોઈનો ટેકો નથી હોતો
બધા જ જખમ એકલવાયા હોય છે.

હું જખમના પ્રવાસે નિકળેલો માણસ છું.
તારા આપેલા જખમ સાથે જીવવાની મજા આવે છે.
મજા આવે છે..
રડવું છે તોય રડવાનું નહી પણ હસવાનું
મરવુ છે તોય
મરવાનું નહી પણ જીવવાનું
ચાલવુ નથી પણ ચાલવાનું.
મજા આવે છે.

તું નથી;

રસ્તો છે,
હું છુ
અને
તેં આપેલી મજા છે.......

- સુરેશ દલાલ

No comments:

Post a Comment