Thursday, April 21, 2011

 બે દિવસ પહેલા પરણેલાઓને છૂટાછેડા લેવાની ઈચ્છા થઈ જાય એવો ડો.નલિની ગણાત્રાનો લેખ અહી મૂકેલો . ઉમર થાય એટલે as usual  લગ્ન માટે "યોગ્ય પાત્ર" ની શોધખોળ શરુ થઈ જાય. પણ મોટેભાગે બધાની શોધ ખાલી "પાત્ર" પામીને જ અટકાવવી પડે છે. "યોગ્ય" તો કોઈ નસીબવાળાને જ મળે છે. એટલે જ તો આ જુઓ કવિ મુકેશ જોષીની કવિતાની નાયિકાએ સમજીને સીધી ભગવાનને જ અરજી કરી છે. કોઈ આલતુ-ફાલતુ  વ્યક્તિ પોતાને પ્રસ્તાવ મોકલે એના કરતા ભગવાનજી સીધા તમે જ પ્રથમ પ્રસ્તાવ લઈને આવો એટલે બીજી કોઈ મથાકૂટ જ નહી. ને વળી તૈયારી પણ ફૂલ છે - ઘરવાળા ના પાડશે તો ભગવાન સાથે ભાગી જવામા પણ વાધો નથી. વાહ! " ભગવાન સાથે ભાગી જવુ " ...... કલ્પના જ કઈક અદભુત લાગે છે.

હરિ ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !

- મુકેશ જોષી
આભાર,
http://tahuko.com

ઐશ્વર્યા મજુમદાર ના અવાજમા આ ગીત ટહુકા પર સાંભળી પણ શકાશે .....

No comments:

Post a Comment