Wednesday, October 19, 2011

પ્રેમ + વ્હાલમની વાતો ...

"બે મળેલા જીવ વચ્ચે લય ન પ્રગટે તો માનવુ કે બે વચ્ચે જે ઝંકૃતિ પ્રગટી તે પ્રેમ નહી, પણ પ્રેમ નો ભ્રમ હતો..
પ્રેમનો ભ્રમ પણ ખાસ્સો સુખદાયી જણાય છે. જો પ્રેમ નો ભ્રમ આટલો સુખદાયી હોઈ શકે તો, સાચુકલો પ્રેમ કેટ્લો આનંદપ્રદ હશે!

પાલવ અડક્યાનો વ્હેમ પણ હ્ર્દયંગમ હોય છે કારણ કે, કશુક અલૌકિક પામવાની શક્યતાનો કોમળ ઈશારો એમા રહેલો હોય છે.
પ્રત્યેક માણસને જીવન મા આવી રોમાચક પળ પ્રાપ્ત થવી જ જોઈએ.
આવો કોમળ ઈશારો જ્યાં તાણી જાય ત્યાં વહી જવુ એ જો ગુનો હોય તો તે સૌએ કરવા યોગ્ય એવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો છે..."

- ગુણવંત શાહ

આવો કાવ્યમય, મધુમય અને પ્રભુમય ગુનો થઈ જાય અર્થાત અચાનક જો કોઈ ગમવા લાગે તો હાલત કદાચ નીચેના કાવ્યમાં જણાવી છે એવી જ થતી હશે ..... ન કહેવાય ન સહેવાય .... વ્હાલમ સાથે થયેલી વાતો કોઈને કહી ના શકાય ને એને કોઈને કહ્યા વગર રહી ના શકાય ... એ જ તો હોય છે પ્રેમ નો જાદુ ....

વ્હાલમની વાતો કાંઇ વ્હેતી કરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

ગુનગુનતા ભમરાને કીધું કે દૂર જા,
કળીઓના કાળજામાં પંચમનો સૂર થા,

ફોરમના ફળિયામાં ફોગટ ફરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

કુંજકુંજ કોયલડી શીદને ટહુકતી,
જીવન વસંતભરી જોબનિયે ઝૂકતી,

પાગલની પ્રીત કંઇ અમથી હરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

પાગલની આગળ આ અંતરને ખોલવું,
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું ?

ઘેલાની ઘેલછાથી ઘેલાં ધરાય નહીં,
હળવેથી હૈયાને હલકું કરાય નહીં…

- ભાસ્કર વોરા

No comments:

Post a Comment