Friday, October 28, 2011

નવાવર્ષમાં નવા જીવનને પત્ર ... "પ્રિય જિંદગી .."

જો આત્મામા પ્રકાશ હોય તો માનવીમાં સૌંદર્ય હશે.
જો માનવી સુંદર હોય તો ઘરમાં સંવાદિતા હશે.
જો ઘરમાં સંવાદિતા હોય તો રા્ષ્ટ્ર્માં વ્યવસ્થા અને સુમેળ હશે.
જો રાષ્ટ્ર્માં સુમેળ હોય તો વિશ્વમાં શાંતિ હશે. ....

આ સુંદર ચિનિ કહેવત સાથે સરવાણીના સહુ વાચક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..... આવનાર તમામ વર્ષોમાં સરવાણીના વાચક મિત્રો, એમના મિત્રો , અને એ મિત્રોના મિત્રો .... ઈન શોર્ટ ... "હુ માનવી બનુ વિશ્વમાનવી ... " એ ન્યાયે ......  સમગ્ર મનુષ્યોના આત્મા પ્રકાશમય રહે ... એવી સરવાણી તરફ્થી હ્ર્દયપૂર્વકની શુભે્ચ્છા ... અને એ સાથે નવાવર્ષની ભેટ સ્વરુપે લેખક શ્રી સૌરભ શાહ નો "પ્રિય જિદંગી .... " ના નામે લખાયેલ આ અનોખો પત્ર ....... આ પત્ર મે ક્યારનો વાચેલો પણ ખાસ નવા વર્ષમા   પ્રિય  વાચક મિત્રોને ભેટ કરવા માટે જ હજી સુધી પોસ્ટ નહોતો કરેલો ..... ખરેખર દરેક નવાવર્ષની શરુઆત પહેલા .... પાછલા વર્ષોની જિંદગી પર નજર નાખી ને આવનારી જિંદગીને એક પત્ર તો લખવો  જોઈએ .... ભલે લાઈફમાં ક્યારેક હદબાર હતાશ થઈ જવાય તો પણ જીવન સાવ કાઢી નાખવા જેવુ નથી હોતુ ... કેમકે ... લો હવે આ પત્ર જ વાંચી લો .......

પ્રિય જિંદગી,

તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાથી આવે છે, ક્યાં જાય છે,  તારુ સ્વરૂપ કેવુ છે, તુ જે છે  એ શા માટે છે . પ્રશ્નો સતાવતા રહ્યા છે. આજે ખબર પડે છે કે તું  મારામાં જ છે, હું જે છુ તે જ તું છે.

કોઈ કહે છે કે તારુ બીજુ નામ સંઘર્ષ છે. કોઈ કહે છે કે તારુ તખલ્લુસ પ્રેમ છે તો કોઈ તને સમર્પણનો પર્યાય ગણે છે. મારા માટે તુ તમામ વ્યાખ્યાઓ થી પર છે. તને ચોક્ક્સ ચોકઠામા બાધી રાખવાનુ મને ગમતુ નથી. તને બાંધી દેવાથી હુ પોતે બંધિયાર થઈ જઉ છુ.

મને નવાઈ લાગે ્છે કે લોકો તારાથી શા માટે કંટાળી જાય છે ? કંટાળવુ તો તારે જોઈએ, આ લોકોથી. તારો કેવો ઉપયોગ કરતા રહે છે તેઓ.. રોજ સવારે ઉંઘમાંથી ઉઠવાથી શરુ કરીને રાત્રે પથારીએમાં સૂતા સુધી  તેઓ ખાવાપીવા ને કમાવા સિવાય બીજું શું કરે છે ? છત્રપતિ શિવાજીની મહામૂલી તલવાર્નો ઉપયોગ ટીંડોરાનુ શાક સમારવા કરતા હોય તે રીતે ખર્ચી નાખે છે.

તારા માટે હું મારાથી શક્ય હોય એટલું બધુ કરીશ, શક્ય જ શુ કામ, મારાથી અશક્ય હોય તે કરવાનો પણ પ્રયત્ન કરીશ. એમાં એમાં સફળતા મળે કે નિષ્ફળતા. મારાથી જે અશક્ય હોય તે કરવાના પ્રયત્નો વડે જ હું શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.

મારે તારાથી ભાગવુ નથી. તારાથી પલાયન થઈને હું ક્યાં જાઊં. મારે તારો સામનો પણ નથી કરવો. જેને ચાહતા હોઈએ એનો સામનો કરવાનો કે પછી તેની સાથે હળીમળીને ફહેવાનું હોય. મારે તારી ખૂબ નજીક રહેવુ છે. મારી બધી જ ખામીઓ, બધી જ નબળાઈઓ, બધી જ મજબૂરીઓ તું સ્પષ્ટ રીતે જોઈ શકે એટલી નજીક.

મને ખબર છે કે સ્વંય ભગાવાન શ્રી કૃષ્ણ સાથે હોય તોય યુધ્ધ લડવુ પડતુ હોય ્છે. મારે પ્ણ લડવુ પડશે. ટાળવુ નથી એને.  એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે નાહિંમત થઈને , કાયર થઈને બેસ્સે ન પડુ. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો., પૂરા અઢાર અધ્યાય જેટ્લો. મને સમજાવવા એ ક્યાથી આવે. મારા જેવા કરોડોને એણે સમજાવવાના છે. વળી, એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાથી લાવુ. મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે.

અત્યાર સુધી ખૂબ માગતો રહ્યો છુ તારી પાસે. અને દર વખતે માગતા કરતાં અનેક્ગણુ મળતુ રહ્યુ છે. હવે કશુ જ માગવુ નથી, માત્ર આભાર માનવો છે. તુ જે આપ્યા કરે છે તે બદલ.

આ માણસ જાતનુ શુ થવા બેઠુ  છે એવુ બોલવાની ફેશન ચાલે છે. ભવિશ્ય સુવર્ણમય છે એવી આશા રાખવી બાલિશતાની નિશાની ગણાઈ જય એવો ડર છે.નિરાશાવાદીઓ જો મેચ્યર ગણાતા હોય તો મારે એવા પુખ્ત નથી બનવુ. મારે મારી મુગ્ધતા સા્ચવી રાખવી છે. તારા ભૂતકાળની ને વર્ત્માનની સમૃધ્ધિ જોઈને હું કેવી રીતે કહુ કે તારુ ભવિષ્ય કાળુ ડિબાંગ છે. લોકો કંઈપણ કહે, મને તારુ ભાવિ ઉજ્જ્વળ લાગે છે અને તારી સાથે જોડાયેલો છુ એટલે મારુ પણ.

તને કદાચ હશે, પણ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. વીતેલા વર્ષોમા મે તને ખૂબ વેડફાઈ જવા દીધી એટલે તુ ફરિયાદ કરે એ સ્વાભિક છે. તને હક છે મને ઠપકો આપવાનો. પણ મારી કોઈ ફરિયાદ નથી. ફરિયાદ સિવાયનુ બીજુ ઘણુ કહેવાનુ છે મારે. એ કહેવા માટેનો જ સમય ઓછો પડ્શે તો ફરિયાદો કરવામાં શા માટે મારો સમય વાપરી નાખુ ?

શુ કહેવુ છે મારે ? ખાસ તો એ કહેવુ છે કે અમે તને આટલી વેડફી નાખી છતા તુ સૌનુ ભલુ જ કર્યા કરે એવી ઉદારતા તારામાં ક્યાથી આવી. તારામાં એવુ શુ છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવીએ છીએ છતા તુ જીવવા જેવી લાગે છે. એવુ કયુ આકર્ષણ, એવુ કયુ ખેચાણ તારામાં છે જે અમને તારાથી દૂર જવા દેતુ નથી અને બીજુ કંઈ નહી પણ ખાસ મારે તને એ કહેવુ છે કે તુ તો મને જીવવા લાગે છે પણ તને હું શા માટે જિવાડવા જેવો લાગુ છુ.


બસ, આજે આટલુ જ. શેષ રુબરુ મળીએ ત્યારે. એ વખતે મારી આંખો મીંચાયેલી હ્શે એટલે મને ઓળખી કાઢ્વાની જવાબદારી તારી અને મારી ઓળખ એટલી કે એ ક્ષણે તે મને ઓઢેલી હશે .


એ જ લિખિતંગ,
તારા સાન્નિધ્યને ખૂબ નિક્ટતાથી,
પ્રસન્નતાથી માણી રહેલ હુ.

 
- સૌરભ શાહ ના પુસ્તક  "પ્રિય જિંદગી" માથી ...

Again......  Happy New Year .......... Have a beautiful Life  ...

No comments:

Post a Comment