Sunday, July 31, 2011

વર્તુળને ખૂણાઓ હોય ...


સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી,
વર્તુળને ખૂણાઓ હોયવાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.

મારા વગર તું ભલે
કૂપરમાં ડૉગ શો જોવા જઈ શકતી હોય,
ઈરોસના ઈંટરવલમાં કોન આઈસક્રીમ ખાઈ શકતી હોય,
સેટર્ડેએ સાંજે અમરસન્સમાં શૉપિંગ કરવા જઈ શકતી હોય.

અને તારા વગર હું ય ભલે
મહર્ષિ કરવે રોડ ઓળંગી શકતો હોઉં,
ઈરાનીમાં જ્યુક બૉક્સ સાંભળી શકતો હોઉં,
લૉટરીના રિઝલ્ટ ખરીદીને લૉટરી સહિત ફાડી શકતો હોઉં.

પણ જો તું હોત તો....
રસ્તો ઓળંગવાને બદલે સબ-વેમાં જવાનું મન થાત,
જ્યુક બૉક્સમાંથી સિક્કા નાખ્યા વગર કોઈ સૂર સંભળાયા કરત,
લૉટરી…. ???!!!

બસમાં તારી ટિકિટ કઢાવું અને તું ‘થેંક્યું’ કહે
થોડી મોડી આવે અને તું ‘સૉરી’ કહે,
વાતવાતમાં ‘પ્લીઝ’ ને વાતવાતમાં ‘વેલકમ’.
પણ મને ક્યારેય આ બધા શબ્દોનું વાક્ય બનાવીને
એનો અર્થ કાઢતા આવડ્યું નહીં.

લોકો તો માનતા કે આપણા સંબંધો તો બારમાસી છે -
પણ એ ભોળાઓને ક્યાં ખબર
કે
શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
અને તારા મૌનને બારણે ઊભા ઊભા
એય થાકીને ખરી જતા હતા....

- સૌરભ શાહ

No comments:

Post a Comment