Tuesday, December 27, 2011

તમે પ્રેમ કરવા જેવા માણસ છો? .....

મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઈન્તેઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં.

- બરકત વિરાણી ‘બેફામ’

માણસને સૌથી મોટી ઝંખના શેની હોય છે?
પ્રેમની, લાગણીની, સ્નેહની અને આત્મીયતાની. પોતાના લોકોની લાગણી જ જિંદગીને જીવવા અને માણવા જેવી બનાવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેનું માપ તમને કેટલા લોકો પ્રેમ કરે છે તેના પરથી નીકળે છે અને તમે કેટલા સમજુ અને શાણા છો તેનું માપ તમે કેટલા લોકોને પ્રેમ કરો છો તેના ઉપરથી નીકળે છે.

પ્રેમ કરવો સહેલી વાત નથી.
પ્રેમ કરવા માટે એક હળવાશ હોવી જોઈએ. બધા માણસો પ્રેમ કરી શકતા નથી. જો તમે પ્રેમ કરી શકતા હો તો માનજો કે કુદરતે તમને વિશિષ્ટ શક્તિ આપી છે. પ્રેમ કરવા માટે માણસે પોતાનો ઈગો, ઈર્ષા, સ્વાર્થ, નફરત, નારાજગી અને બીજું ઘણું બધું ઓગાળી નાખવું પડે છે.

માણસ કાચ જેવો પારદર્શક હોવો જોઈએ, જેની આરપાર જેવા છીએ એવા દેખાઈ શકીએ. પારદર્શક બનવા માટે કાચ ઉપર જામી ગયેલા ધૂળના થરોને ધસીને દૂર કરવા પડે. તમને મળીને તમારા લોકોને મજા આવવી જોઈએ. કોઈને પાછું મળવાનું મન થાય એવી રીતે આપણે તેને મળીએ છીએ ખરાં?

દરેક માણસમાં એક વિશિષ્ટ પ્રકારનું તત્ત્વ હોય છે.
 એ તત્ત્વ કાં તો માણસને પોતાની તરફ ખેંચે છે અથવા તો દૂર ફંગોળે છે. કેટલાક લોકો લોહચુંબક જેવા હોય છે અને કેટલાક લોકો ઇલેક્ટ્રિક કરંટ જેવા હોય છે. તેને અડકો ત્યાં જ ઝાટકો લાગે. તમે વિચાર્યું છે કે તમારામાં કયું તત્ત્વ વધુ અસરદાર છે? તમારા લોકો તમારી નજીક આવે છે કે દૂર ભાગે છે? દૂર ભાગતા હોય તો માનજો કે તમારી અંદર કંઈક ખૂટી ગયું છે, તમારી અંદરથી કંઈક ખોવાઈ ગયું છે. તમારે જે બીજા પાસેથી જોઈએ છે એ તમારી પાસે છે ખરાં?

માણસ પ્રેમનો એકરાર કેવી રીતે કરે છે?
આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું. પ્રેમની આ પહેલી શરત છે કે હું તને પ્રેમ કરું છું. કોઈ એવું નથી કહેતું કે હું તને પ્રેમ કરતો નથી પણ હું ઇચ્છું છું કે તું મને પ્રેમ કરે. તમે પ્રેમ કરતા ન હો તો કોઈ તમને પ્રેમ કરતું હશે તો પણ તેનો પ્રેમ તમને સ્પર્શશે નહીં. ઘણી વખત આપણા લોકો તો આપણને પ્રેમ કરતાં હોય છે પણ આપણે જ આપણી જાતને એક કોચલામાં બંધ કરી દીધી હોય છે.

એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે કોઈ મને પ્રેમ કરતું નથી. તળાવના કાંઠે એક બાંકડા પર બેઠેલા સંતે કહ્યું કે બેસ. સંતે એક પથરો લીધો અને તળાવમાં ફેંક્યો. ડબ દઈને પથરો પાણીમાં ડૂબી ગયો અને તળિયે પહોંચી ગયો. થોડી ક્ષણો પછી સંતે એક ફૂલ લીધું અને તળાવમાં ઘા કર્યો. ફૂલ તરવા લાગ્યું. સંતે કહ્યું કે તરવા માટે ફૂલ જેવા બનવું પડે. તારે તરવું છે પણ બદલાવું નથી. તારામાંથી પથ્થરને હટાવી દે. આપણે દુનિયાને બદલવી હોય છે પણ પોતાને બદલાવું હોતું નથી. દુનિયા બદલાઈ શકે છે, શરત માત્ર એટલી હોય છે કે તેની શરૂઆત આપણાથી થવી જોઈએ.

માણસ તો પોતાને પણ પ્રેમ નથી કરતો.
 જે માણસ પોતાને પ્રેમ ન કરી શકે એ બીજાને શું પ્રેમ કરી શકવાનો? માણસ પાસે દરેક વ્યક્તિના અભિપ્રાય હોય છે, માત્ર પોતાનો અભિપ્રાય જ હોતો નથી. કોઈના પણ વિશે પૂછો તો ફટ દઈને કહી દેશે કે એ માણસ તો આવો છે, એ માણસ તો તેવો છે. ભાગ્યે જ લોકો એવું વિચારે છે કે હું કેવો છું. આપણી જાત માટે પણ આપણે બીજાના અભિપ્રાય ઉપર જ આધાર રાખતા હોઈએ છીએ. કોઈ આપણને સારા કહે તો આપણે હરખાઈ જઈએ છીએ અને કોઈ આપણને ખરાબ કહે તો નારાજ થઈ જઈએ છીએ. કેટલા લોકોને પોતાના વિશે તટસ્થ અભિપ્રાય હોય છે?

સાચું કહેજો, તમને ખબર છે કે તમે કેવા છો?
તમે જેવી તમારી જાતને સમજો છો, એવું જ તમારા લોકો તમને માને છે. તમારો અભિપ્રાય અને એમનો અભિપ્રાય જુદો છે કે સરખો? દરેક વ્યક્તિને પોતાના વિશે ઊંચો અભિપ્રાય જ હોય છે. મહત્ત્વનું એ છે કે એવો અભિપ્રાય તમારા લોકોનો હોવો જોઈએ. પોતાની જાત પ્રત્યે સાચો અભિપ્રાય બાંધવો સૌથી અઘરો છે. સાચો અભિપ્રાય જો સારો ન હોય તો તેને સુધારવો કે બદલવો તેનાથી પણ અઘરું છે.

તમે તમારી જાતને પ્રેમ કરો છો કે પછી તમે જ તમારી જાતને કોસે રાખો છો?
મારી તે કોઈ જિંદગી છે? મારા નસીબમાં જ બધી ઉપાધિઓ લખી છે, હું જ શા માટે? મારી સાથે જ આવું થાય છે! મારી કોઈને પડી નથી, બધા સ્વાર્થનાં જ સગાં છે, બધા મારી ભલમનસાઈનો ફાયદો ઉઠાવે છે, હું જ મૂરખ છું કે બધાં માટે બધું કરું છું, બધા લોકોને જરૂર હોય ત્યાં સુધી જ સંબંધ રાખે છે, કોઈને પ્રેમ કરવા જેવું નથી, આપણે જ ખેંચાયે રાખવાનું? બીજા લોકોએ કંઈ નહીં કરવાનું? આ દુનિયામાં સીધા લોકોનું કામ જ નથી, હરામી સાથે હરામી જ થવું પડે... આપણે આખી દુનિયાને ચોર, લુચ્ચી, લફંગી, સ્વાર્થી, બદમાશ, નાલાયક ચીતરી દઈએ છીએ અને પછી ધીમે ધીમે આપણે પણ એવા થઈ જઈએ છીએ. આપણે જેવા હોઈએ એવા આપણે રહેતા નથી. આપણે હંમેશાં બીજા જેવા જ થઈ જઈએ છીએ. કેટલાક લોકો એવું માને છે કે દુનિયા ભલે ગમે એવી હોય, હું તો જેવો છું એવો જ રહીશ. મારે સારા રહેવું છે, જેને જે કરવું હોય એ કરે. તમે સારા રહેશો એટલે સારા લોકો આપોઆપ તમારી તરફ ખેંચાશે. તમે જેવા હશો એવું જ તમારું વર્તુળ રચાશે. વાદળો કાળાં અથવા ધોળાં હોઈ શકે પણ મેઘધનુષ્ય રંગીન જ હોય છે. વાતાવરણ ગમે એવું હોય મેઘધનુષ્ય એના રંગ બદલતું નથી. આપણી ચામડીનો રંગ એક જ રહે છે પણ મનના રંગો છાશવારે બદલાય છે. ઘડીકમાં ખુશ થઈ જઈએ અને ઘડીકમાં ગુસ્સે થઈ જઈએ છીએ. ઘડીકમાં બધું ગમવા લાગે અને ઘડીકમાં બધું નક્કામું લાગે! આપણે બીજા રંગોમાં એટલી આસાનીથી ઓગળી જઈએ છીએ અને આપણો ઓરિજિનલ રંગ ગુમાવી બેસીએ છીએ. કેટલા લોકો તમારા રંગે રંગાય છે?

આખી દુનિયા સુંદર છે,
આખું જગત સરસ છે, આખી સૃષ્ટિની રચના તમારા માટે જ થઈ છે, કુદરતે દરેક સૌંદર્યનું નિર્માણ તમારા માટે જ કર્યું છે. આખી દુનિયાએ તમને પ્રેમ કરવો છે પણ તમારી એના માટે તૈયારી છે? બધાએ તો તમને પ્રેમ કરવો જ છે પણ તમે પ્રેમ કરવા જેવા માણસ છો? ન હો તો, બની જાવ. બધા આપોઆપ તમને ચાહવા લાગશે. દરવાજો તો ખોલો, પ્રેમ બહાર જ દરવાજો ઉઘડવાની રાહ જુએ છે! 

છેલ્લો સીન

આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો એ આપણી જાત છે.
- લાઈટોન

- Article by કૃષ્ણકાંત ઉનડકટ, from "Sandesh" news paper

No comments:

Post a Comment