Friday, December 23, 2011

સૂરજ ઈન્કમટૅકસ ભરે છે ...

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ
લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સુરજ પાસે નથી જ કાળું નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે
આવાં-તેવાં મ્હેણાં-ટોણે, દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી
મિલક્ત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

– મુકેશ જોષી

No comments:

Post a Comment