Wednesday, December 7, 2011

પ્રેમ વ્યક્ત કરવા મોકાની રાહ જોવી જરુરી છે ?

શું માણસને માણસની જરુર માત્ર મુશ્કેલીમાં જ હોય છે ? આવા જ સબજેક્ટ પર કૃષ્ણ્કાંત ઉડનકટનો એક આર્ટિકલ .....

એમ તો હું પણ દુઆ કરતો હતો, પણ ખરી રીતે તો દુઃખો રડતો હતો.
એ જ ડુબાડી ગયા મને મઝધારમાં, જેમના વિશ્વાસ પર હું તરતો હતો...
- હસનઅલી નામાવટી
 

દવાખાને જવું હતું ત્યારે ઘણા લોકો હાજર હતા પણ મારે બગીચામાં ફરવા જવું હતું ત્યારે કોઈની કંપની ન હતી. એક વ્યક્તિએ કહેલી આ વાત છે. તે બીમાર પડયા ત્યારે નજીકના અનેક લોકો આવી ગયા. નો ડાઉટ, એ બધા જ લોકો સારા અને લાગણીશીલ છે. બધાએ પૂછયું કે અમે તમારા માટે શું કરી શકીએ? એક નજીકની વ્યક્તિને કહ્યું કે તારે જાણવું છે ને કે તું મારા માટે શું કરી શકે? તો તું અત્યારે ચાલ્યો જા અને જ્યારે આ કોઈ ન હોય ત્યારે આવજે.

આપણે બધા જ આપણા લોકોને જરૂર પડે ત્યારે ખડે પગે ઊભા રહેવા તત્પર હોઈએ છીએ, પણ મોટા ભાગે આપણને એવું લાગે કે હવે તેને મારી જરૂર છે ત્યારે જ આપણે જતાં હોઈએ છીએ! કોઈને આપણી જરૂર છે એવું નક્કી કરવાવાળા આપણે કોણ? આપણે એવું શા માટે માનતા હોઈએ છીએ કે જ્યારે જરૂર પડે ત્યારે જઈએ એને જ સંબંધ કહેવાય!

માણસને માણસની જરૂર માત્ર મુશ્કેલીમાં જ નથી પડતી, ઘણી વખત કોઈ વાત કરવા, કોઈ આનંદ વ્યક્ત કરવા અને ઘણી વખત માત્ર ટાઇમ પાસ કરવા માટે પણ માણસની જરૂર પડતી હોય છે. આપણું જ કોઈ વ્યક્તિ જ્યારે આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતું હોય ત્યારે આપણે દવાખાનાની બહાર રાત-દિવસ જોયા વગર હાજર હોઈએ છીએ, પણ આઈસીયુમાં દાખલ વ્યક્તિ જ્યારે તેના ઘરે એકલી હોય ત્યારે તેની દરકાર કરી હોતી નથી! મોટાભાગે માણસ એવું જતાવવા કે સાબિત કરવા માટે આવતો હોય છે કે તમારા ખરાબ સમયે અમે આવ્યા હતા!

સવાલ એ થાય કે માત્ર ખરાબ સમયે જ જવાનું? આપણે અનેક વખત એવું બોલીએ અને સાંભળીએ છીએ કે લગ્નમાં ન જઈએ તો ચાલે પણ મરણમાં તો જવું જ જોઈએ! આવું શા માટે? મરણ પ્રસંગે પોતાની વ્યક્તિની હાજરીથી દુઃખ અડધું થઈ જાય તો એ જ વ્યક્તિની હાજરીથી લગ્નનો આનંદ બેવડાઈ ન જાય? તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણા સંબંધોમાં ઘણી બધી ‘ફોર્માલિટીઝ’ પ્રવેશી ગઈ છે? આપણા સંબંધો માત્ર વ્યવહાર નિભાવવા પૂરતા જ થઈ ગયા છે!

આપણે ફોન ઉપર વાત કરતી વખતે એવું ઘણી વખત બોલીએ છીએ કે કંઈ કામ હોય તો કહેજો! હું બીજી ઘડીએ આવી જઈશ! તમે આવું કહો અને સામેનો માણસ તમને એમ કહે કે મારે અત્યારે ફિલ્મ જોવા જવું છે, તમે મારી સાથે ચાલો તો તમે જાવ?

કોઈને કંઈ કામ હોતું નથી, આપણે નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે તેને મારું કામ છે એટલે મારે જવું જોઈએ! અરે ભાઈ, કામ હોય ત્યારે તો બધા જ આવી ચડે, કામ ન હોય ત્યારે પણ કોઈની જરૂર હોય છે! સુખમાં અને પ્રેમમાં આપણી નજર કોઈને શોધતી હોય છે, એ વ્યક્તિ આંખ મીંચાવવાની તૈયારી હોય ત્યારે છેક આવે તેનો શું મતલબ? આપણે ત્યાં છેલ્લી ઘડીએ હાજર રહેવાનું જ માહાત્મ્ય શા માટે છે? છેલ્લા શ્વાસો વખતે ગંગાજળ આપવા માટે પહોંચી જવા કરતાં એ વ્યક્તિ જ્યારે રોલિંગ ચેર પર છાપું વાંચતી હોય ત્યારે તેને પાણીનો પ્યાલો આપવાનું માહાત્મ્ય કદાચ વધુ ઊંચું, મોટું અને મહાન હોય છે.

આપણા બોલિવૂડમાં હમણાં એક ઘટના બની. ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાનો ભાઈ બોબી ચાવલા એક વર્ષથી કોમામાં છે. જુહી અને શાહરૂખ ખાન સારાં મિત્રો છે. હમણાં ફિલ્મ ‘રા-વન’નું સંગીત શાહરૂખે યશ જોહર અને બોબી ચાવલાને અર્પણ કર્યું. શાહરૂખની કંપની રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટ શરૂ કરવામાં અને ચલાવવામાં બોબીએ ખૂબ મદદ કરી હતી. એક વર્ષ સુધી શાહરૂખે બોબી વિશે કોઈ પૂછપરછ કરી ન હતી. બોબીને સંગીત અર્પણ કર્યા પછી જુહીએ કહ્યું કે શાહરૂખે તેના ભાઈની કદર કરવામાં બહુ મોડું કર્યું. જે લોકો બોબીને એક મિનિટ પણ રેઢો મૂકતા ન હતા એ જ લોકો હવે ફરકતા નથી. તબિયત જોવા આવવાનું તો દૂર રહ્યું કોઈ પૂછતું પણ નથી કે બોબીને કેમ છે. એ પછી જુહીએ જે વાત કરી તે વધુ મહત્ત્વની છે. તેણે કહ્યું કે આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા કેમ કોઈ કરુણ પ્રસંગની રાહ જોતા હોઈએ છીએ? તેણે એમ પણ કહ્યું કે મોડું થઈ જાય એ પહેલાં આપણા માટે મહત્ત્વના અને આપણા પ્રિય લોકોની કદર કરી લેવી જોઈએ.

આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે બેટર લેઇટ ધેન નેવર. આ વાત સાચી અને સારી છે, પણ સવાલ એ થાય કે વ્હાય લેટ? વ્હાય નોટ અર્લી? અને આ વહેલું કે મોડું કોણ નક્કી કરે? પ્રેમ વ્યક્ત કરવા, લાગણી દર્શાવવા, કદર કરવા માટે કોઈ મોકાની, કોઈ ઘટનાની કે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. આપણા લોકો આપણી રાહ જોતા હોય છે પણ એ લોકો બોલાવે ત્યાં સુધી તમે રાહ ન જુઓ. તમે જાવ તો કોને ગમે? એ વિચાર કરી જોજો અને જે ચહેરા તમારી નજર સમક્ષ આવે એને મળી તમારી સંવેદના વ્યક્ત કરી દેજો. દરેક ક્ષણ ‘રાઇટ ટાઇમ’ જ હોય છે, ‘રાઇટ ટાઇમ’ની રાહ જોશો તો એ સમય રોંગ ટાઈમે જ આવશે!


છેલ્લો સીન

આજ એ તમારી બાકીની જિંદગીનો પહેલો દિવસ છે.
- હાર્વે ફાયરસ્ટોન જુનિયર

અને છેલ્લે ...

પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.

ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?  ................................

No comments:

Post a Comment