Tuesday, January 25, 2011

અંતરઆત્મા- મનના અવાજો

વાંચનની આ જ મજા છે એક જ વસ્તુ તમને વિવિધ સ્વરૂપે વાંચવા મળે. ક્યારેક તો એવુ પણ બને કે એક વસ્તુ વાંચીને ઉઠેલા સવાલોના જવાબ તમને કોઈ અન્ય જ લખાણમાંથી મળી જાય.
હાલ એક સરસ ફીક્શન વાંચી " The Alchemist ". બુક વિષે તો પછી ક્યારેક કહીશ પણ એટ્લુ કહી દઉ કે આ વાર્તા પોતાના સપનાને સાકાર કરવા નિક્ળેલા એક યુવાનની છે જે  પોતાના મનના અવાજ ને અનુસરીને સપનામા આવેલા ખજાનાને શોધવા નિકળી પડે છે. યુવાન નુ નામ છે 'સેન્ટિગો'.
વાર્તામા સેન્ટિગો એક જગ્યાએ એને ખજાનો શોધવામા મદદ કરનાર કીમિયાગરને પૂ્છે છે, " આપણે આપણા મનના અવાજો શુ કામ સાંભળવા જોઈએ?
કીમિયાગર," કારણ કે તારા મનના અવાજમાં જ તારા ખજાનાનો માર્ગ છે."
સેન્ટિગો, " પણ મારુ મન બહુ અશાંત છે. કોઈવાર હું બહુ દુખી થઈ જાઉ છુ. ઘણીવાર રાત્રે ઊંઘ પણ નથી આવતી. "
કીમિયાગર,"સરસ, એનો અર્થ એમ કે તારુ મન સંવેદનશીલ છે. એ જે કહે એ બધુ સાંભળ્યા કર." .....

ને અહીં ગુણવંત શાહ પણ એ જ કહે છે કે કેમ આપણે આપણા મનની વાત - અંતરાઆત્માના અવાજને સાંભળવો જોઈએ ??? ......

પ્રત્યેક માણસનું હ્રદય સત્યવાદી  હરિશ્ચંન્દ્ર જેવુ નિષ્કપટ અને  નિર્મળ હોય છે. હ્રદય કદી જૂઠૂં નથી બોલતું. એ કદી દગો નથી દેતું. એ કદી અપ્રમાણીક નથી હોતુ. મહાત્મા અને મામૂલી માણસના હ્ર્દયને જોડનારા અદ્ર્શ્ય સેતુ પર અંતરઆત્માની આકાશવાણીનું કેન્દ્ર આવેલુ છે. રામ અને રાવણનાં હ્રદય તો સરખાં જ હતાં. રામ પોતાના હ્રદયના ઝીણા છતાં સ્પષ્ટ અવાજનો આદર કરનારા હતા. રાવણને પણ એવા અવાજની ભેટ તો મળી હતી, પરંતુ રાવણ પોતાના હ્ર્દયના અવાજનો અનાદર કરતો રહ્યો. બસ આ વાતે જ ખરો તફાવત પડી જાય છે અને એ તફાવત જેવોતેવો નથી.

આપણી છાતીના પોલાણમાં ડાબી બાજુએ સતત ધબકતા હ્ર્દય નામના સ્નાયુપંપની આ વાત નથી. ભારતીય પરંપરામા હ્રદય માણસના અંતરાઆત્મા(conscience) તરીકે ઓળખાયુ છે. હ્ર્દય એના માલિકને કદી ખોટી વાતમાં ટેકો નથી આપતુ. હ્રદયના અવાજનો અનાદર કરવો એટ્લે જ અધર્મના માર્ગે ચાલવુ. હ્ર્દયનો અવાજ એટલે જ આત્માનો અવાજ.

આપણને સૌને એ અવાજ સંભળાય છે પરંતુ આપણે એ અવાજની અવગણના કરીને  વ્યવહારુ ગણતરીને વધુ મહત્વ આપીએ છીએ. ધીરે ધીરે એ અવાજ ક્ષીણ થઈ  જાય છે ને પછી સંભળાતો બંધ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે એ અવાજ ગેરહાજર છે પણ સાંભળનારાની સંવેદના બહેર મારી ગઈ હોવાથી એ સંભળાતો નથી.

કશુંક ખોટુ કરતી વખતે અંદરથી જે ખટકો ઉઠે તે  ખટકો અતિ મૂલ્યવાન છે. એ તો  c/o અંતરઆત્મા થકી મળેલી પરમાત્માની ટપાલ છે.
સંસ્ક્રુતિના પ્રવાહમા ભદ્રતા પામેલા આપણે સહજને કિનારેથી એટલા તો દૂર નીકળી ગયા છીએ  કે જે અસહજ હોય તે પણ ખટકતુ નથી. જે ખટકવા યોગ્ય હોય એ પણ ના ખટકે તેવી સમાજિક ઘટ્નાને લોકો વ્યવહાર કહે છે. જો નરસિંહ મહેતા વ્યવહારુ હોત તો ક્યારેય પ્રભાતિયા ના રચી શક્યા હોત ને જો ગાંધીજી વ્યાવહારુ હોત તો એ સત્યાગ્રહ ના કરી શક્યા હોત.

રોજ સ્નાન કરવાથી શરીર સ્વચ્છ રહે છે , મનન કરવાથી મન સ્વચ્છ રહે છે ને રોજ ધ્યાન કરવાથી સ્વચ્છ અંતરાઆત્મા સાથેની મૈત્રી જળવાય છે.
લોકો બદલાઈ જાય છે
અને એ વાત એકબીજાને કહેવાનુ ભૂલી જાય છે
તેથી બધી સમસ્યાઓ પેદા થાય છે
જે કદીય બદલાતી નથી
તે છે આપણી હ્ર્દય અનુભૂતિ !
-  ગુણવંત શાહ

" The Alchemist " મા બીજી પણ એક સરસ વાત આવે છે - ખજાનાની શોધ કરવા સેન્ટિગો નીકળી પડે છે એ પહેલા એ ઘેટા ચરાવતો હોય છે. ને ઘેટાને ઉદ્દેશીને એ એક સરસ વાત કહે છે કે ઘેટઓને શાંતિ હોય છે કેમકે ," જનાવરોને કોઇ નિર્ણય લેવો પડતો નથી. એમની એક પળોજણ ખાવાપીવાની બસ. એમના બધા દિવસો એક સરખા જ હોય છે. દુનિયાની વિવિધતાનો આનંદ લેવા હુ રોજ નવા રસ્તે ઘેટાઓને ચરાવા લઈ જઉ છુ. પણ નવા ખેતરો, નવા જંગલો કે બદલાયેલી ઋતુની એવી કોઈ વાત જોડે એમને કંઈ લેવાદેવા નહોતી. એમને ખાધાપીધા સિવાય બીજી કાંઈ પરવા જ નહોતી. કદાચ આપણે બધાં એવા જ છીએ.... "

અર્થાત જો તમારે ઘેટા જેવી શાંતિ જોઈતી હોય તો કદી તમારા આત્માને જાગ્રુત ના કરતા. ક્યારેય પોતાની જાતને શું સાચુ છે શુ ખોટુ છે એવા પ્રશ્નો ના પૂછતા ને ભૂલથી પણ તમારા મનના અવાજો સાંભળીને એને અનુસરતા નહી. આમ કરવામા ખાલી એક જ નુકસાન છે કે  જેમ ઘેટાઓ  નવા ખેતરો, નવા રસ્તા અને બદલાતી ઋતુઓને માણી શક્તા નથી ને એકધારુ જીવ્યે જાય છે એમ તમે પણ જીવનની અવનવી ને અદભુત બાબતો ને પામી નહી શકો ..... But choice is yours .... 

એવા વળાંક પર હવે ઉભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...
( જો કે આ ચોઈસ કરવા માટે પણ માણસે એક્વારતો ઘેટા જેવી ઘરેડ માથી બહાર નિકળીને પોતાના આત્માને-મનને પ્રશ્ન પૂછવો જ પડશે ... ને એના માટે તો એણે  પોતાની અંદર ઝાંખીને જોવું પડશે.. )

આંખ મીંચીને ઉત્તર જાણી જઈશ,
થઈ જઈશ જો તરબતર જાણી જઈશ.

બૂમ પાડી જો અમસ્તી પણ કદી
થાય છે કેવી અસર જાણી જઈશ....

2 comments:

  1. Nice going...
    Happy to see that you are writing so consistently.

    Now my blog will really miss all these post.
    Keep writing. Good luck....

    ReplyDelete
  2. There are so many reasons to start this blog. Mainly i want to store what i read and yes, other of them that I can get idea from your blog. તો આભાર.
    And it makes no difference one read good things from my blog or your blog the purpose is those things should reach to good readers, to good hearts.

    ReplyDelete