જીવન જો એક રમત હોય તો કદાચ એ આમ રમાવી જોઈએ ...
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને,
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.
છાનગપતિયાં કરવાં એ તો શોભે નહીં અલગારીને.
ધરતીને નહીં ઢાંકપિછોડો
ખુલ્લું છે આકાશ,
છળકપટના શ્વાસમાં છેવટ
હોય નહીં કોઇ હાશ.
ખુલ્લું છે આકાશ,
છળકપટના શ્વાસમાં છેવટ
હોય નહીં કોઇ હાશ.
મુજરો શાને કરવો આપણે સાચું-ખોટું નાચીને ?
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
આપણે સાથે રમવા બેઠાં
એનો છે આનંદ,
બાજી છે : પણ નહીં બાજીગર
નહીં શ્રીમંત કે રંક.
એનો છે આનંદ,
બાજી છે : પણ નહીં બાજીગર
નહીં શ્રીમંત કે રંક.
હસતાં હસતાં રમીએ રાજા ! દંભને સદા ફગાવીને,
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
અંચઇનું કોઇ નામ નહીં
કે અંચઇનું કોઇ કામ નહીં,
કોઇ હુકમનું પાનું નહીં
ને કોઇ અહીં ગુલામ નહીં.
કે અંચઇનું કોઇ કામ નહીં,
કોઇ હુકમનું પાનું નહીં
ને કોઇ અહીં ગુલામ નહીં.
કરો પ્રતીક્ષા રઘુરાયની શબરીનાં બોર ચાખીને,
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
રમવું હોય તો રમજો રાજા ! ખુલ્લી બાજી રાખીને.
- સુરેશ દલાલ
No comments:
Post a Comment