Saturday, January 29, 2011

સબંધો ય કારણ વગર હોય જાણે...

એક સરસ કિસ્સો યાદ આવે છે. ગુજરાત હાઈકોર્ટમા અંગ્રેજી ભાષા જ ચા્લે એવો નિયમ છે. એટલે કે બધા કેસ ને દલીલ ને જજમેન્ટ બધુ જ અંગ્રેજીમા. પણ ટ્રેજેડી એ છે કે હાઈકોર્ટમા મોટાભાગના કેસ ગામડાના અભણ કે બહુ ઓછુ ભણેલા લોકો્ની જમીનોના આવે અથવા એમ કહો કે હાઈકોર્ટમા જે કેસ આવે એમા મોટાભાગના કેસ ના વાદી - પ્રતિવાદી કઈ અંગ્રેજીના માસ્ટર નથી હોતા. એટલે કેસમા સામસામે વકીલો અંગ્રેજીમા શુ બોલે , શુ દલીલ થાય ને જજ શુ જજમેન્ટ આપે એમા પેલા બિચારા અબુધ લોકોને સમજાય નહી. આની વિરુધ્ધ્મા એક અપીલ પણ થયેલી કે - હાઈકોર્ટમા કેસ ગુજરાતીમા ચલાવવા જોઈએ કેમકે ક્લાયન્ટ્સને એ હક છે કે એમના વકીલો શુ દલીલો કરે છે એ સમજી શકે ને એ માટે એક સરસ દલીલ રજુ થયેલી ...... કે " આપણે જાનવરો સાથે પણ એમની ભાષામા વાત કરીએ છીએ. કૂતરાને એ સમજી શકે એમ ને ગાય કે બિલાડીને એ સમજી શકે એમ બોલાવીએ છીએ... તો પછી માણસ સાથે કેમ એ સમજી શકે એમ વાત નથી થતી ? ? " ....... આ દલીલ ખાલી હાઈકોર્ટ માટે જ શુ કામ દરેક જગ્યાએ લાગુ પડે છે. અને એથી પણ આગળ વધીએ તો માણસને પશુપંખી સાથે વાત કરવા માટે કારણ ની જરુર હોતી નથી ખાલી એને બીજા માણસ સાથે વાત કરવા માજ કારણો જોઈએ છીએ.  એટલે જ કદાચ માણસ આજે માણસથી દૂર થતો જાય છે....

સબંધો ય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઈને ફરે   એમ   પાગલ,
રહસ્યની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પૂરાઈ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

પવન શુષ્ક પર્ણો હ્ઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.

કરે એમ પ્રુથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

ક્ષિતિજરેખા પર અર્ધડૂબેલ સૂરજ,
કોઈની ઢળેલી નજર હોય જાણે.
- આદિલ મન્સૂરી

No comments:

Post a Comment