Monday, January 31, 2011

મને હું શોધું છું...

એમ લાગે છે પ્રુથ્વીનુ સર્જન થયુ હશે ત્યારે ઈશ્વરે બધા જીવજંતુ ને વસ્તુઓને એના નિયમો ઘડી આપ્યા હશે. કોણે શુ કરવુ  ને કેમ રહેવુ ? પણ જ્યારે માણસનો વારો આવ્યો હશે ત્યારે ઈશ્વરે થાકીને કે ખબર નહિ શુ વિચારીને કહી દીધુ હશે કે લે ! હુ તને આ બધા કરતા થોડી વધુ શક્તિઓ આપુ છુ તુ તારા નિયમો જાતે બનાવી લે અને નક્કી કરી દે કે તારે કેમ રહેવુ છે. બસ થઈ ગઈ ભુલ ભગવાનથી . આ શ્રાપ હતો કે આશિર્વાદ એ જ હજી સુધી નક્કી થઈ શકતુ નથી. ને માણસજાતે કઈ ઘડીમા રુલબૂક બનાવવાની શરુ કરી હશે તે ખબર નહી એ ક્યારે પૂરી થશે !!

ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય…… મને હું શોધું છું..

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં
ડગલેપગલે હું જ મને આડો ઊતરું
ને હું જ મને અવરોધું છું…

કહો મને હું ચહેરેમહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો, શું શું, નીત સરખાવું છું.
હું અતડો, મારાથી અળગો
શું, કોને સંબોધું છું….

એમ થાય છે કે ઇચ્છાઓનાં જડિયાં ખોદી
આઘાં તડકે નાખું
બાજોઠ ઢાળી બેઠોબેઠો
આનંદ મંગળ ભાખું
એમ થાય કે નભમંડળનું આખું તોરણ
આંખે બાંધી રાખું
વળી, થાય કે છાંયાસોતો
વડલો વહેરી નાખું
વારાફરતી વૃક્ષબીજમાં
હું જ મને વિરોધું છું…

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું
સહી દસ્તક હું પોતે દલપતરાય
નહીં ઠામ, નહીં ઠેકાણું, અહીં નામ અધૂરું નોંધું ?  ...

- દલપત પઢિયાર

No comments:

Post a Comment