Monday, January 17, 2011

' ચાલ ચા પીએ!' - A Love Story

લાઈફ કાઈ ખાલી સત્યો શોધવા થોડી છે ? એ તો એન્જોય કરવા માટે પણ છે . લાઈફમા ખાલી શાણપણ નહી થોડુ ગાંડ્પણ પણ જોઈએ ભાઈ! So one cute  story.
 
લગ્ન જ ન કરવાનો નિર્ણય લઈને બેઠેલા કોઈ 'સ્વામીજી'ને સાવ અચાનક કોઈ મળી જાય અને તેઓ પૂછી બેસે,વિલ યુ બી માય વેલેન્ટાઈન? અને તેમની જિંદગી બદલાઈ જાય તો?

'તું મારી સાથે લગ્ન કરીશ? આપણા સંબંધોને આપણે કાંઈક નામ આપીએ.'

'ના' સૌંદર્યના સમંદરે માથું ધુણાવ્યું.

'વેરી ગૂડ...ચાલ ચા પીએ...' સ્વામીજીએ કહ્યું. 
કાજલ તેના ચહેરાને તાકી રહી... કઈ માટીનો બન્યો હતો આ માણસ? મોઢા પર ના પાડી દીધી તોયે કાંઈ નહી, ઉપરથી વેરી ગૂડ કહીને ચા પીવાનું કહે છે! કાજલના ચહેરા પર ઉલઝન ચીતરાઈ ગઈ. પણ સ્વામીજી પોતાની રોજિંદી બેફિકરાઈથી ચાની ચૂસકી લેવા માંડયા હતા. ચા પીને હજુ 'ફિલ્ડ'માં જવાનું હતું, ઘણાને મળવાનું હતું.
કાજલથી રહેવાયું નહી. પૂછી જ નાખ્યું, 'મેં ના પાડી તોયે તમને કાંઈ નથી? ઉપરથી ચા મંગાવી... જાણે છૂટી ગયા હોવ એવી લાગણી તો નથી થતીને?'
'ના, એવું નથી કાજલ...' સ્વામી મુસ્કુરાયા, 'હકીકતમાં મને આજ સુધી કોઈ છોકરીએ 'હા' જ પાડી નથી એટલે તારા જવાબથી કોઈ આશ્ચર્ય નથી થયું...!'
- એ સ્વામીજી ખરા, પણ ભગવાં કપડાં અને માળા-મણકા પહેરીને ટીલાં-ટપકાં કરવાવાળા સ્વામી નહી. એનું નામ અશ્વિન જોષી (બદલ્યું છે). અત્યંત હસમુખો અને મળતાવડો સ્વભાવ. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી શહેરમાં જઈને તેણે આપબળે પોતાની કારકિર્દી બનાવવાની કવાયત આરંભી.
એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ. સાલસ સ્વભાવના લીધે સહકર્મચારીઓની સાથે પણ દૂધમાં સાકરની જેમ એ ભળી ગયો. એક નાનકડી ઓરડી ભાડે રાખી લીધી અને ટિફિન બંધાવી લીધું. ગામમાંથી પણ લાંબો સંઘર્ષ કરીને અશ્વિન અહીં સુધી પહોંચ્યો હતો. અહીંયાં પણ પથ પર ફૂલો બિછાવેલાં તો હતાં જ નહીં. એક તો કારકિર્દી બહુ મોડી શરૃ કરી અને એમાં પાછો આર્થિક સંઘર્ષ. સામાજિક જવાબદારીઓ પણ જડબાં ફાડીને ઊભેલી હતી, પણ અશ્વિનનાં વાણીવર્તનમાં તેનો જરાયે અણસાર આવે નહીં. કાળનાં પૈડાં પર સમયની ગાડી સડસડાટ દોડતી હતી. અશ્વિનની ઉંમર પણ વધતી ચાલી...ત્રીસ, એકત્રીસ, બત્રીસ વર્ષ...!
મિત્રો અને હિતેચ્છુઓ તેને લગ્ન કરી લેવાનું કહેવા માંડયા, પણ અશ્વિને બધાને મક્કમતાથી કહી દીધુ, 'આપણે લગ્ન કરવાં જ નથી.' કુટુંબીજનો પણ સમજાવવા માંડયાં. અશ્વિન હસતાં હસતાં કહેતો, 'નોકરી થાય ત્યાં સુધી કરવાની અને પછી ક્યાંક આશ્રમ ખોલીને બેસી જઈશ, દાઢી વધારી લઈશ.' બસ...ત્યારથી તેનું નામ 'સ્વામી' પડી ગયું.
સ્વામી ચાલીસી વટાવી ગયા. નોકરી કરતાં કરતાં કુટુંબની જવાબદારીઓ નીભાવતા ગયા. તેનો નિર્ણય મને-કમને બધાએ સ્વીકારી લીધો હતો. સ્વામી લગ્ન નહીં જ કરે તે લગભગ પથ્થરની લકીર જેવું સત્ય હોવાનું મનાતું હતું. બસ, એવા સમયે જ એક ઘટના બની. 
 સ્વામીની ઓફિસના અન્ય એક ડિપાર્ટમેન્ટમાં કાજલ આવી. સ્વામી સાથે સંબંધો બંધાયા અને પછી કોઈને કલ્પના પણ ન આવે એવું પગલું સ્વામીએ ભરી લીધું. કાજલને સીધુ જ પૂછી લીધું, 'મારી સાથે લગ્ન કરીશ?' 
 કાજલે 'ના' પાડી દીધી . 
સ્વામી, "ઓકે, ચાલ ચા પીવા જઈએ. " અને સ્વામીએ એની 'ના' ને પણ ચા પીને સેલિબ્રેટ કરી. કાજલ હેરાન થઈ ગઈ...કઈ માટીનો બન્યો છે આ માણસ...? પણ, એ સ્વામી હતો, ભલે ચહેરાથી નહીં, નામથી તો હતો જ ને...? દુઃખ-દર્દ કે આઘાત એટલાં જોયાં હતાં કે હવે લગભગ એવી લાગણીઓ તેના માટે અસ્પૃશ્ય બની ગઈ હતી.
આજે તો કાજલ અને સ્વામી પરણી ગયાં છે. બન્નેના સુખી સંસારના પરિપાકરૃપે એક નાનકડી પરી જેવી એક વર્ષની બેબી પણ છે.  સ્વામીજી પોતાની વાત આગળ ચલાવતાં કહે છે, 'કાજલે ના પાડયા પછી થોડા દિવસો એમ ને એમ જ પસાર થઈ ગયા અને પછી કાજલે જ મને પૂછયું. 'તમે લગ્નની વાત કરતા હતા તેનું શું થયું?'
'તેં ના પાડી પછી માંડી વાળ્યું.'
'પણ હવે કહું છું કે આપણે કાંઈક વિચારવું જોઈએ.'

સ્વામી,"એમ ? ચાલ, પાછી ચા પીએ...!"

અને ૨૦૦૮માં ૪૩ વર્ષની ઉંમરે અશ્વિન જોષી ધામધૂમથી કાજલને પરણી ગયા.
સ્વામીજી પરણ્યા ત્યારે ઘણાને દુનિયાની આઠમી અજાયબી જેવું આશ્ચર્ય થયું હતું અને ઘણા તો આ વાત માનવા જ તૈયાર નહોતા.

(સત્યઘટના) - જયરામ મહેતા

No comments:

Post a Comment