Sunday, January 23, 2011

ભુલી જઈએ ...

બહાર થઈ ગયો....
સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,
દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.

ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,
તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.

એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,
એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.

મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?
લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો? ....

ભુલી જઈએ ...
હતી જીવલેણ ઠોકર પણ એ ઠોકરને ભુલી જઈએ,
ઘણાં ફૂલો મળ્યાં એ એક પથ્થરને ભૂલી   જઈએ.


ગમે ત્યાં જાવ,   ખર્ચો ખૂબ   કિંતુ ના મઝા  આવે,
શરત છે  સાવ સીધી એ જ કે ઘરને ભૂલી  જઈએ.


પછીથી લાગશે આ જિંદગી અવસર સમી હરપળ,
ફકત માઠા નહીં સારાય અવસરને ભૂલી   જઈએ.


હજૂ પણ  ક્યાં સુધી નાટક   રિસાવાનાં-મનાવાના,
ઊભુ  હાથે   કર્યું  એ      દોસ્ત અંતરને ભૂલી જઈએ.


હકીકત એજ છે કે સૂરજ અને અજવાળું સાચા છે,
હવે ઓ કલપ્ના!    એ   રાતના ડરને ભૂલી  જઈએ.


પરિસ્થિતિ નહીં, તો નાખીએ બદલી  મન:સ્થિતિ,
ખરેખર દેહ પિંજર છે   તો પિંજરને   ભૂલી  જઈએ.


નથી પૂરી શકાતા પ્રાણ    એકે   કાર્યમાં ‘મિસ્કીન’,
હવે આ  આંધળી  શ્રદ્ધા- ઈશ્વરને    ભૂલી     જઈએ....


- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

No comments:

Post a Comment